લીમખેડા પોલીસ જાપ્તા માંથી સગીરવયના પ્રેમી પંખીડા ફરાર થવા મામલે મહિલા પી.એસ.આઈ. સસ્પેન્ડ કરાયા

દાહોદ,દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ સ્ટેશનમાં ગતરોજ મોડી રાતે પોલીસ જાપ્તામાંથી એક સગીર વયના પ્રેમી પંખીડા ફરાર થઈ ગયાંની ઘટનામાં દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા લીમખેડા પોલીસ મથકના મહિલા પીએસઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જ્યારે ત્રણ જીઆરડી જવાનોને એક વર્ષ માટે ફરજ મોકુફ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

લીમખેડા તાલુકાના ચેડીયા ગામનો યુવાન કલ્પેશભાઈ પંકેશભાઈ પલાસ તેના જ ગામની સગીરાને પત્ની તરીકે રાખવા અપહરણ કરી લઈ ગયો હતો. જે સંબંધે અપહૃત સગીરાના પિતાએ લીમખેડા પોલીસે સગીરાના અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે બંને પ્રેમી પંખીડાની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતાં. ગત તા. 13-4-2023ના રોજ મોડી રાતના બે વાગ્યાથી ત્રણ વાગ્યાના સમયગાળામાં પોલીસના માણસોને એકાએક ઝોકું આવી ગયું હતું. આ મોકાનો લાભ લઈ પ્રેમી પંખીડાઓ પોલીસ જાપ્તામાંથી નાસી ગયા હતા. ઘટનાને પગલે જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. ત્યારે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા લીમખેડા પોલીસ મથકમાં પીએસઓ તરીકે ફરજ બજાવતી રમીલાબેન ગોરધનભાઈ (એ.એસ.આઈ.) મહિલાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ છીણાભાઈ, વર્ષાબેન ઉકારસિંહ, દિપીકાબેન સોમાભાઈને દાહોદ હેડ ક્વોટર્સમાં બદલી કરવામાં આવી છે અને ત્રણ જી.આર.ડી. જવાનોને તેઓની એક વર્ષની ફરજ પરથી મોકુફ કરાયાં છે. જેમાં દિનેશભાઈ સુરસીંગભાઈ, નરવતભાઈ સવલાભાઈ અને સુનિલભાઈ સોમાભાઈ એમ આ ત્રમ જી.આર.ડી. જવાનને એક વર્ષ માટે ફરજ ઉપરથી મોકુફ કરવામાં આવ્યાં છે. ત્યારે પી.આઈ. એમ. કે. ખાંટને સીપીઆઈ તરીકે ઝાલોદમાં બદલી કરવામાં આવી છે. આ સમાચારને પગલે લીમખેડા પોલીસ મથક સહિત જિલ્લાના પોલીસ બેડમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે પોલીસે પ્રેમી પંખીડાને પકડી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે.