દાહોદ,ઝાલોદના વરોડ ટોલનાકાથી થોડે આગળ હનુમાન મંદિરની નજીક લીમડીથી ઝાલોદ જતાં હાઈવે રોડ પર ગતરોજ સાંજે બે મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું સ્ળ પર જ મોત નિપજ્યાનું તેમજ ત્રણને ગંભીર ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.
એક મોટર સાયકલ ચાલક તેના કબજાની નંબર વગરની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી. વરોડ ટોલ નાકાથી થોડે દુર લીમડીથી ઝાલોદ જતાં હાઈવે રોડ પર હનુમાન મંદીર નજીક સામેથી આવતી આર.જે.03 એમએચ.7023 નંબરની મોટર સાયકલને જોશભેર ટક્કર મારતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજસ્થાન પાસીંગની મોટર સાયકલ પર સવાર ઝાલોદ તાલુકાના બંબેલા ગામના 26 વર્ષીય દિનેશભાઈ દલસીંગભાઈ ભાભોરને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પરજ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે તે મોટર સાયકલ પર સવાર સરદુભાઈ સબુરભાઈ મકવાણાનો ડાબો પગ ભાગી જતાં ગંભીર ઈજાઓ થવા પામી હતી તથા નંબર વગરની મોટર સાયકલના ચાલક તથા તેની પાછળ બેઠેલ ઈસમને પણ શરીરે તથા હાથે પગે ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ઝાલોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપી મરણ જનાર દિનેશભાઈ દલાભાઈ ભાભોરની લાશનું પંચો રૂબરૂ પંચનામુ કરી લાશને પી.એમ. માટે ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપી નંબર વગરની મોટર સાયકલના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.