દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામે દાહોદ રોડ પર પશુ ચરાવવા ગયેલ એક 72 વર્ષિય આધેડ વ્યક્તિને મોટર સાઈકલ પર આવેલ બે અજાણ્યા ઈસમોએ ધાકધમકીઓ આપી બાનમાં લઈ વ્યક્તિએ શરીરે પહેરી રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂા.62,500ની મત્તાની ધોળે દિવસે સવારના 10 વાગ્યાની આસપાસ સનસનાટી ભરી લુંટ ચલાવી લુંટારૂઓ નાસી જતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગત તા.29મી જુનના રોજ ઝાલોદના લીમડી કારઠ રોડ પર રહેતાં 72 વર્ષિય પ્રેમચંદભાઈ મોતીભાઈ મોરી સવારના દશેક વાગ્યાના આસપાસ લીમડી ગામે દાહોદ રોડ પર પશુઓ ચરાવવા ગયાં હતાં ત્યારે આશરે 30થી 35 વર્ષની ઉંમરના બે ઈસમો એક મોટરસાઈકલ પર આવી પ્રેચંદભાઈને પકડી પાડ્યાં હતાં અને પ્રેમચંદભાઈનો શર્ટનો કોલર પકડી પાડી મારી નાંખવાની ધમકીઓ આપી પ્રેમચંદભાઈએ શરીરે પહેરી રાખેલ ચાંદીનો કંદોરો, સોનાની મરકી, ચાંદીનું ભોરીયું તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.62,500ની મત્તાની લુંટ ચલાવી અજાણ્યા બે ઈસમો નાસી જતાં પ્રેમચંદભાઈએ બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. પરંતુ લોકો બંન્ને લુંટારૂઓને પકડે તે પહેલા તેઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં.
આ સંબંધે પ્રેમચંદભાઈ મોતીભાઈ મોરીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લુંટારૂઓને પકડી પાડવા ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.