લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં ખોટા બિલો પાસ કર્યાની જાગૃત નાગરિકની રજૂઆત

  • ફળાઉ વાડીના 29 અને જમીન સમતલના 17 જેટલા કામોના ખોટા બિલો મંજૂર કર્યાની રજૂઆત.
  • તાલુકા કચેરી દ્વારા તબદીલ વગરની બોગસ પહોંચ સરપંચે છપાવી પાણી વેરો લેવામાં આવ્યો

ઝાલોદ,ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં ફળાઉ વાડીઓ અને જમીન સમતલના કામો 50 ઉપરાંત કામો મનરેગા યોજનામાં મંજુર કરાવી ગામના સરપંચ વાલાબેન વસંતભાઈ ભાભોર દ્વારા ગામના ખેડૂતોની માલિકીની જમીનમાં બતાવી કામના મંજૂર થયેલ નાણાં બારોબાર ઉપાડી લાખ્ખો રૂપિયા ઉપાડી કૌભાંડ કર્યાનું લીલવા ઠાકોર ગ્રામ પંચાયતના જાગૃત નાગરીક મેહુલ લાલસિંગ ભાભોરે ઝાલોદ તાલુકા વિકાસ અધકારીને લેખિતમાં રજૂઆત કરી છે. લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં સરકારની મનરેગા યોજના હેઠળ ખેડૂતોના માલિકીના સર્વે નંબર ધરાવતા 29 જેટલી ફળાઉ વાડીઓ અને 17 જેટલા જમીન સમતલના કામો મંજૂર કરાવી એકપણ કામ જગ્યા ઉપર કર્યા વગર જવાબદાર મનરેગા યોજના તંત્ર અને ગ્રામ પંચાયત લીલવા ઠાકોરના સરપંચે એક પણ જગ્યાએ કામ કર્યા વગર આજ સુધી વિવિધ કામોના બિલો મંજૂર કરાવી બરોબર નાણાં ઉપાડી લીધાનું જાણવી રજૂઆત કરી છે.

તેમજ ગ્રામ પંચાયત લીલવા ઠાકોર પાણી વેરા વસુલાતની બોગસ પહોંચ છપાવી સરપંચે પોતે ગામમાં રહેતા નાગરિકો પાસે હજારો રૂપિયા વસૂલી મસમોટી ઉચાપત કરી હોવાની રજૂઆત કરવામાં આવી છે. ખરેખર વેરા વસુલાત પહોંચ તાલુકા પંચાયત કચેરી થી (જુઓ નિયમ – 5) નમૂના ક્રમાંક 4 મુજબ તબદીલ કરેલી માન્ય પહોંચ અપાય છે. પરંતુ અહી તો સરપંચે પોતાના હોદ્દાના પાવરથી પોતે ખાનગી પ્રેશમાં બોગસ પાવતી છપાવી ગ્રામજનો સાથે છેતરપીંડીથી હજારો રૂપિયાની ઉચાપત કરી હોવાનું અરજદારે લેખિતમાં ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે કે મનરેગા યોજનામાં ખોટા કામો કરી ભ્રષ્ટાચાર આચરી કૌભાંડ કરેલ છે.અને ખોટી પાણી વેરાની પાવતીઓ બનાવી સરપંચે સરકારી તિજોરીના નાણાં ઉઘરાવી ઉચાપત કરી ચાઉં કરી ગયાંના આક્ષેપ સાથે કૌભાંડનું જણાવી ઝીણવટ ભરી તપાસ કરવા નું જણાવ્યું છે. આ સમાચાર હાલ જાગૃત નાગરીકની અરજીમા સૂચવેલ મુજબ છે. આમાં સાચું શું અને ખોટું શું તે તાલુકા પંચાયત અધિકારી દ્વારા તપાસનો વિષય બનેલ છે.