નોઈડા,
પોલીસે શેફાલી કૌલ નામની મહિલા વકીલની ધરપકડ કરી છે જેણે નોઈડાના સેક્ટર ૧૨૧, ક્લિઓ કાઉન્ટી સોસાયટીમાં નોકરાણી પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. ગુરુવારે પોલીસ શેફાલી કૌલને કોર્ટમાં હાજર કરશે. પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતાના મેડિકલ રિપોર્ટના આધારે શેફાલી કૌલ વિરુદ્ધ વધુ કલમો વધારવામાં આવી છે.
ગત દિવસોમાં એક સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક મહિલા લિફ્ટમાં એક છોકરી સાથે મારપીટ કરતી જોવા મળી હતી. વીડિયો વાયરલ થયા બાદ પીડિતાની નોકરાણીએ માલકિન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે બુધવારે આરોપી માલકિન શેફાલી કૌલની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પીડિતા મથુરાની રહેવાસી છે અને શેફાલી કૌલના ઘરે નોકરાણી તરીકે કામ કરતી હતી. તેની પાસે ૬ મહિનાનો કોન્ટ્રાક્ટ હતો જે ઓક્ટોબરમાં જ પૂરો થઈ ગયો હતો. આમ છતાં શેફાલી કૌલ તેને બંધક બનાવીને કામ કરાવતી હતી. આરોપ છે કે, પીડિતા અનીતાને શેફાલી કૌલ દ્વારા માત્ર ટોર્ચર જ નથી કરવામાં આવતું પરંતુ તેને મારપીટ પણ કરવામાં આવી હતી. આનાથી પરેશાન થઈને જ્યારે અનિતા ભાગવા લાગી તો શેફાલી કૌલે તેને લિફ્ટમાં પકડીને મારવાનું શરૂ કર્યું હતું.