લેસ્ટર શહેરના મેયરપદ માટે ભારતીય મૂળના બે ઉમેદવારો વચ્ચે ટક્કર

લંડન,બ્રિટનમાં આવતા મહિનાની શરૂઆતમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીઓમાં લેસ્ટર શહેરના મેયરપદ માટે ભારતીય મૂળના બે ઉમેદવારો વચ્ચે ટક્કર થઈ રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના કાઉન્સિલર સંજય મોઢવાડિયા અને લેબર પાર્ટીનાં ભૂતપૂર્વ કાઉન્સિલર રીટા પટેલ વચ્ચે આ ટક્કર છે. રીટા પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે પ્રચાર શરૂ કર્યો છે. તેમણે કહ્યું કે તે મેયરપદને હટાવવાનું કામ જ પહેલાં કરશે. વર્તમાન મેયર સર પીટર સોલ્સબીએ રીટા પટેલ પક્ષમાંથી બહાર જતાં નિરાશા વ્યક્ત કરી હતી, કારણ કે ગયા મહિને કાઉન્સિલની મીટિંગમાં મેયરપદને હટાવવાના નિર્ણયની તરફેણમાં તેમણે મત આપ્યો હતો.

કન્ઝર્વેટિવ પાર્ટીએ મોઢવાડિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, જે સોલ્સબીને પડકારશે. ગયા વર્ષે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મૅચ બાદ સપ્ટેમ્બરમાં લેસ્ટર શહેરમાં કોમી તોફાનો થયાં હતાં. મોઢવાડિયા સ્થાનિક વેપારી છે અને તેઓ વિશ્ર્વમાં લેસ્ટર શહેરની છાપ સુધારવા માગે છે. ચોથી મેએ ચૂંટણી યોજાવાની છે. મોઢવાડિયા અને રીટા પટેલ બન્ને પોતાની રીતે પ્રયાસો કરી રહ્યા છે.