
તેલઅવીવ,ઈઝરાયેલે હમાસ સાથે યુધ્ધ વિરામ બાદ ફરી શરુ કરેલા જંગ વચ્ચે લેબનોનમાં ઈરાન સમથત સંગઠન હિઝબુલ્લાહને ફરી એક વખત ધમકી આપી છે.ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂએ કહ્યુ હતુ કે, હિઝબુલ્લાહ ઈઝરાયેલ સાથે જંગ શરુ કરવાની ભૂલ ના કરે. જો હિઝબુલ્લાહે યુધ છેડયુ તો લેબનોનની રાજધાની બૈરુતને અમે ગાઝા જેવી બનાવી દઈશું.
ઈઝરાયેલી પીએમ નેતાન્યાહૂ લાલચોળ એટલા માટે થયા છે કે, હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલ પર એક મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી અને તેમાં ઈઝરાયેલના એક નાગરિકનુ મોત થયુ હતુ.
હિઝબુલ્લાહ જ્યારથી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે જંગ શરુ થઈ છે ત્યારથી ઈઝરાયેલ પર છુટા છવાયા હુમલા કરી રહ્યુ છે. આ સંગઠન પર ભડકેલા નેતાન્યાહૂએ કહ્યુ હતુ કે, જો હિઝબુલ્લાહે મોટા પાયે યુધ્ધ શરુ કરવાનો નિર્ણય લીધો હોય તો સાંભળી લે કે અમે લેબેનોનની રાજધાની બૈરુતને ગાઝામાં ફેરવી નાંખીશું. અમે કોઈ પણ સંજોગોમાં જીત મેળવવા માટે કટિબધ છે.
નેતાન્યાહૂએ ઈઝરાયેલી સેનાના નોર્ધન કમાન્ડના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને સૈનિકો સાથે વાતચીત દરમિયાન ઉપરોક્ત નિવેદન આપ્યુ હતુ.