લેબનોનમાં ભારતીય દૂતાવાસે ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી

તેહરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે વધી રહેલા તણાવને યાનમાં રાખીને લેબનોનના બેરૂતમાં ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરી છે. દૂતાવાસે ભારતીયોને લેબનોનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. તેણે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો.

ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું, લેબનોનમાં તમામ ભારતીયોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. બધાએ ઈમેલ દ્વારા ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ. ભારતીય દૂતાવાસે ફોન નંબર અને ઈમેલ સરનામું શેર કર્યું છે.

લેબનીઝ રાજધાનીમાં ઈઝરાયેલના હુમલામાં વરિષ્ઠ હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકર માર્યા ગયા બાદ ભારતીય દૂતાવાસે આ એડવાઈઝરી જારી કરી હતી. આ હુમલો હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યાના કલાકો બાદ થયો છે.

તમને જણાવી દઈએ કે ઈરાનની સેના ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સે હાનિયાના મોતની પુષ્ટિ કરી હતી. અહેવાલો અનુસાર, તેહરાનમાં ઇસ્માઇલ હાનિયાના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઇસ્માઇલ હાનિયા તેના એક અંગરક્ષકની સાથે માર્યા ગયા હતા. હમાસે પણ ઈસ્માઈલ હાનિયાની હત્યાનો સ્વીકાર કર્યો છે અને તેના માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. જો કે ઈઝરાયેલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ પહેલા મંગળવારે ઈસ્માઈલ હનિયાએ ઈરાનના નવા રાષ્ટ્રપતિના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ઈરાનના સુપ્રીમ લીડરને પણ મળ્યા હતા.