લાવારિસ કારમાંથી 52 કિલો સોનું, 10 કરોડની રોકડ મળી : RTO લખેલી કાર ભોપાલના જંગલમાંથી મળી

મધ્યપ્રદેશમાં રિયલ એસ્ટેટના ધંધાર્થીઓ પર દરોડા વચ્ચે આવકવેરા વિભાગ (IT)ની ટીમે ભોપાલના મેંદોરી જંગલમાં એક કારમાંથી 52 કિલો સોનું જપ્ત કર્યું છે. એની કિંમત અંદાજે 40 કરોડ 47 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ટીમે કારમાંથી 10 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. આ સોનું અને રોકડ કોની છે એ હજુ સ્પષ્ટ થયું નથી.આવકવેરાની ટીમ બિલ્ડરો અને ભૂતપૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સામેની કાર્યવાહી સાથે સોનું અને રોકડ જોડાયેલાં છે કે કેમ એ શોધી રહી છે. કાર પર RTO લખેલું છે અને પોલીસનો લોગો છે. આ કાર ચેતન નામની વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે.

આવકવેરા વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, એવી માહિતી મળી હતી કે જંગલમાં એક કારમાં રોકડ છે, જેને ક્યાંક લઈ જવામાં આવી રહી છે. આ પછી ટીમ ગુરુવારે રાત્રે લગભગ 2 વાગે મેંદોરી પહોંચી. જંગલમાં ઈનોવા કાર પાસે 100 જેટલા પોલીસકર્મીઓ અને 30 વાહન પહેલેથી જ હતાં. કદાચ પોલીસને પણ આ અંગે માહિતી મળી હશે. ઈન્કમટેક્સ ટીમે કારની તલાશી લેતાં રોકડ સહિત સોનું મળી આવ્યું હતું.

બે દિવસ પહેલાં 18 ડિસેમ્બરે આવકવેરા વિભાગે ભોપાલ અને ઈન્દોરમાં ત્રિશૂલ કન્સ્ટ્રક્શન, ક્વાલિટી ગ્રુપ અને ઈશાન ગ્રુપનાં 51 સ્થળ પર દરોડા પાડ્યા હતા. ભોપાલમાં સૌથી વધુ 49 સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં IAS, IPS અને રાજકારણીઓ દ્વારા પસંદ કરાયેલા નીલબાદ, મેંદોરી અને મેન્ડોરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

ભોપાલના મેંદોરી વિસ્તારમાંથી આવકવેરા અધિકારીઓની ટીમ દ્વારા જપ્ત કરાયેલું 52 કિલો સોનું એક વાહનમાં ભરીને એનો નિકાલ કરવાની તૈયારી હતી. આવકવેરા વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ હવે શોધી રહી છે કે આ સોનું કોનું છે અને ક્યાં લઈ જવામાં આવતું હતું? અત્યારસુધી એનો કોઈની સાથે સીધો સંબંધ નથી. આ સોના અને રોકડ પર હજુ સુધી કોઈએ દાવો કર્યો નથી.

અહીં લોકાયુક્તની ટીમે 19 ડિસેમ્બરની સવારે ભોપાલના અરેરા કોલોનીમાં પૂર્વ પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ) કોન્સ્ટેબલ સૌરભ શર્માના ઘર પર દરોડા પાડ્યા હતા. અહીંથી 1.15 કરોડ રૂપિયાની રોકડ, અડધો કિલો સોનું, હીરા અને લગભગ 50 લાખની કિંમતના સોનાના દાગીના અને ચાંદીના બિસ્કિટ સાથે મિલકતના દસ્તાવેજો મળ્યાં હતાં. શર્માની ઓફિસમાંથી 1.70 કરોડની રોકડ સહિત સંપત્તિના દસ્તાવેજો મળ્યા છે.

આવકવેરા વિભાગને આ કેસમાં પૂર્વ મુખ્ય સચિવ સિવાય મુખ્ય સચિવ સ્તરના કેટલાક અધિકારીઓની સંડોવણીની શંકા છે. છેલ્લા કેટલાક મહિનામાં આવકવેરા વિભાગમાં નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ પછી મધ્યપ્રદેશમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નવા અધિકારીઓની ટીમ પણ કેટલાક વધુ મોટા ઘટસ્ફોટ કરવા જઈ રહી છે.

જે ઈનોવા કારમાંથી સોનું અને રોકડ જપ્ત કરવામાં આવ્યાં છે એ ચેતન ગૌરની હોવાનું કહેવાય છે. એના પર RTO લખેલી પ્લેટ હતી, જે હવે નથી. એવું માનવામાં આવે છે કે આ કાર કોઈ RTO અધિકારી સાથે જોડાયેલી હોઈ શકે છે અને દરોડાના ડરને ધ્યાનમાં રાખીને નિર્જન જગ્યાએ છુપાવીને પાર્ક કરવામાં આવી હતી. ચેતન ગૌર ગ્વાલિયરનો રહેવાસી છે અને પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સૌરભ શર્માનો મિત્ર હોવાનું કહેવાય છે.