લાતુરમાં પિક અપ ગાડીએ અડફેટમાં લેતા બે ભાઈ અને તેમના પુત્ર, પુત્રીના મોત

મુંબઈ,

લાતુરમાં જુદી જુદી બે દુર્ઘટનામાં છ જણ કાળનો કોળિયો બની ગયા હતા. મૃતકમાં બે બાળકનો સમાવેશ છે. પિક અપ ગાડીએ અડફેટમાં લેતા એક જ બાઈક પર જઈ રહેલા બે સગાભાઈ તેમના પુત્ર, પુત્રી મોતને ભેટયા હતા. જ્યારે અન્ય બનાવમાં ટેમ્પો સાથે ટકરાતા બાઈક પર જઈ રહેલા બે જણને કાળ ભરખી ગયો હતો. જ્યારેે ટેમ્પોમાં નવ ઘેટાનું પણ મૃત્યુ થયું હતું. લાતુરના હાકેવાડીમાં રહેતા આડે પરિવાર શેરડીની કાપણી કરે છે. ૧૫ દિવસ પહેલા જ આ પરિવાર શેરડી કાપીને પરત આવ્યો હતો.ફરીથી તેઓ ધારાશિવના કળંબ તાલુકામાં રાંજણીમાં સાકર કારખાનામાં શેરડી કાપવા ગયા હતા.

ગઈકાલે રાતે એક બાઈક પર છ જણ રાંજણી તરફ જઈ રહ્યા હતા. ત્યારે કારગાંવ પાસે શિમલા મરચા ભરેલી પિકઅપ ગાડી અને બાઈકની જોરદાર અથડામણ થઈ હતી.

આ દુર્ઘટનામાં વિકાસ પ્રકાશ આડે (ઉ.વ.૩૩) તેનો નાનો ભાઈ આકાશ (ઉ.વ.૩૦), વિકાસની પાંચ વર્ષીય પુત્રી વૈશાલી, આકાશનો ૩ વર્ષનો પુત્ર શંકરનું મોત નિપજયું હતું. બન્ને ભાઈની માતા નિર્મલા અને વિકાસની પુત્રી રોહિણીને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે ગાડીના ડ્રાઈવરને પકડીને વધુ તપાસ આદરી છે. મૃતક આકાશની પત્નીનું વર્ષ અગાઉ પ્રસુતી વખતે મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પિતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ સિવાય લાતુરમાં ઉમરગા પાટી પાસે ટેમ્પો અને બાઈક એકબીજા સાથે ટકરાતા હમીદ સૈયદ (ઉ.વ.૪૫) અને આનંદ કદમ જગ્યા પર મૃત્યુ પામ્યા હતા.