૨૦૨૩માં મિલ્ક્તના ખોટા કબ્જાના આરોપ સબબ ૬૫ વર્ષીય એક વૃદ્ધ ની ગેરકાયદે અટકાયત કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે તત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટરનો ખુલાસો માંગ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે તત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટર પાસેથી ફરજમાં બેદરકારી મામલે તેમની વિરુધ શા માટે કાર્યવાહી ન કરવી તે મુદ્દે ખુલાસો માંગ્યો હતો.
ચીફ જસ્ટિસે રાજય સરકારને ઝાટક્તાં જણાવ્યું હતું કે, આ કોઇ સામાન્ય ભૂલ નથી. તમે આ પ્રકારે લોકોને ખોટી રીતે હેરાન ના કરી શકો. તમારી ભૂલના કારણે અરજદારને જેલમાં જવુ પડયુ, તેથી અમે ગૃહ સચિવને તપાસ સોંપી રહ્યા છીએ. આ પ્રકારની સખ્તાઇ કોઇપણ રીતે સાંખી શકાય નહી.
હાઇકોર્ટે ગંભીર નારાજગી સાથે જણાવ્યું હતું કે, ગુજરાત લેન્ડ ગ્રેબીંગ(પ્રોહીબીશન)એકટ-૨૦૨૦ હેઠળ રચાયલેી કમીટી દ્વારા કરાયેલી તપાસના મૂળ રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે, સીટી ડેપ્યુટી કલેકટર(અમદાવાદ પૂર્વ)ના અહેવાલની તપાસ કરીને રેકોર્ડની તપાસ કર્યા વિના જ પ્રસ્તુત કેસમાં એફઆઇઆર માટે અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
કલેકટરના વડપણ હેઠળની કમીટી અરજદાર વિરૃધ એફઆઇઆર દાખલ કરવાના નિર્ણયમાં બહુ કેઝયુઅલ રીતે વર્તી છે અને તેના કારણે, ૬૫ વર્ષના આ વૃધ અરજદારને સાત દિવસ જેલના સળિયા પાછળ રહેવુ પડયુ હતું.
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ જિલ્લા કલેકટરના વડપણ હેઠળની કમીટી ઓરીજનલ રેકોર્ડની તપાસ કર્યા વિના અને માત્ર સીટી ડેપ્યુટી કલેકટર(અમદાવાદ પૂર્વ)ના અભિપ્રાય કે જે ખોટો હતો, તેના આધારે જે પ્રકારે વર્તી છે તે મામલામાં તપાસ કરવા માટે રાજયના ગૃહ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અને મહેસૂલ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને સૂચિત કરવામાં આવે.
હાઇકોર્ટે આ સમગ્ર મામલે તત્ત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટર અને કમીટીના અન્ય સભ્યોને આગામી મુદતે ખુલાસા સાથેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.૨૮ ઓગસ્ટના રોજ મુકરર કરી હતી.
અરજદાર વૃદ્ધ દ્વારા અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, તેમને આ કેસમાં ખોટી રીતે લેન્ડ ગ્રેબર દર્શાવી દેવાયા હતા. વાસ્તવમાં તેઓ ૧૯૭૫ના ભાડા કરારના અમલના ભાગરૃપે મિલ્ક્તનો કબ્જો ધરાવતા હતા અને તે પેટે પ્રતિવાદી ફરિયાદીને નિયમિત ભાડુ પણ ચૂકવતા હતા. તેમણે આ તમામ પુરાવા અને રજૂઆત તત્કાલીન કલેકટરની અયક્ષતાવાળી કમીટી સમક્ષ પણ રજૂ કર્યા હતા. પરંતુ કમીટી દ્વારા તેમના ખુલાસા અને પુરાવાને અવગણીને પ્રસ્તુત કેસમાં ખોટી રીતે તેમની વિરુધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી દેવાઇ હતી, જેના કારણે તેમને ખોટી રીતે જેલમાં જવાનો વારો આવ્યો હતો.