લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા સહાયક માહિતી નિયામક અને ક્લાર્કના બે દિવસના રિમાન્ડ મંજૂર

સુરત,

સુરત શહેરમાં એસીબીએ લાખો રુપિયાની લાંચ લેનાર સહાયક માહિતી નિયામક અને ક્લાર્કના બે દિવસના રિમાન્ડ સુરત કોર્ટે મંજુર કર્યા છે. કોર્ટે શનિવારે સાંજે આ રિમાન્ડ મંજુર કર્યા હતા. દૈનિક અખબારમાં સરકારી જાહેરાત છાપવાની મંજૂરી માટે ૫.૪૦ લાખ રૂપિયાની લાંચ માંગનાર સુરત માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને કચેરીનો ક્લાર્ક એન્ટીકરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાયા હતા. માગવામાં આવેલી લાંચ પૈકી પહેલો હપ્તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા રોકડા લેતા એસીબીના છટકામાં બે લોકો રંગે હાથે ઝડપાઇ ગયા હતા. ત્યારે છઝ્રમ્એ પકડાયેલા બંને અધિકારીના ઘરે સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે.

માહિતી વિભાગ દ્વારા સુરતમાં દૈનિક અખબાર ચલાવતા માલિકો પાસે અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો આવે તે માટે અરજી મંગાવવામાં આવી હતી. જાહેરાત માટે કરાયેલી અરજી રીન્યુઅલ કરવાની કાર્યવાહી કરવા માટે સુરતના નાનપુરા સ્થિત આવેલી માહિતી ખાતાની ઓફિસમાં સહાયક માહિતી નિયામક કૌશિક પરમારે ૫.૪૦ લાખ રૂપિયાની લાંચ માગી હતી. અખબારના માલિક દ્વારા સરકારી કામ માટે આ લાંચ આપવા માંગતા ન હતા જેથી તેમણે આ બાબતે એસીબીને જાણ કરી હતી. સહાયક માહિતી નિયામક દ્વારા લાંચની રકમ બે હપ્તામાં માંગવામાં આવી હતી. પ્રથમ હપ્તા તરીકે ૨.૭૦ લાખની રોકડ લઈને અકબરના માલિકને માહિતી ખાતાની કચેરીમાં બોલાવ્યો હતો. માહિતી કચેરીની સામે આવેલી ઝેરોક્ષની દુકાન પર આ લાંચની રકમ આપવાનો નક્કી કર્યા બાદ કૌશિક પરમાર દ્વારા ક્લાર્કને લાંચ લેવા માટે મોકલ્યો હતો. જ્યાં પહેલેથી ગોઠવાયેલી એસીબીએ લાંચ સ્વીકારતા ક્લાર્કને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

રીન્યુઅલ અરજી મંજૂર કરવા માટે મંગાયેલી લાંચ પૈકી પ્રથમ હપ્તાના ૨.૭૦ લાખ રૂપિયા લઈને અખબારના માલિકને સૌપ્રથમ તો સહાયક માહિતી નિયામક દ્વારા પોતાની ગાડીમાં બેસાડીને એક કલાક સુધી આસપાસના વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ માહિતી કચેરી સામે આવેલ ઝેરોક્ષની દુકાનમાં બેસાડીને અડધો કલાકની રાહ જોવડાવી હતી. અડધો કલાક બાદ કૌશિક પરમારે તેમના ક્લાર્ક સતીશ જાદવને લાંચ લેવા માટે મોકલ્યો હતો. જોકે અખબારના માલિક દ્વારા પહેલાથી જ એસીબીમાં લેખિત અરજી આપી હોવાથી એસીબીના અધિકારીઓ જે તે સ્થળે ગોઠવાઈ ગયા હતા અને જુનિયર ક્લાર્ક લાંચ લેવા આવ્યો તે સમયે જ લાંચ સ્વીકારતી વખતે રંગે હાથ ઝડપી લીધો હતો અને ઝેરોક્ષની દુકાનની બહાર ઊભેલા સહાયક માહિતી નિયામકને પણ એસીબીએ ઝડપી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે સહાયક માહિતી નિયામકનો મહિને ૮૩ હજાર રૂપિયા પગાર છે તેમજ જુનિયર ક્લાર્ક નો પગાર પણ ૫૨ હજાર રૂપિયા મહિનો છે. ગઈકાલે વિશ્ર્વ લાંચ વિરોધી દિવસ હતો અને તે જ દિવસે સરકારની માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક દ્વારા લાંચ લેવાના ગુનામાં ઝડપાતા સરકારી કચેરીમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હાલ બંને લાંચિયાઓને એસબીએ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.