
જૂનાગઢમાં ધારાગઢ દરવાજા પાસે આવેલ આંબાવાડીની જમીન મામલે આશારામજી આશ્રમ દ્વારા ૧૧ વર્ષ પહેલા કરવામાં આવેલો દાવો સિવિલ કોર્ટ દ્વારા ના મંજુર કરી દેવામાં આવ્યા બાદ ઓર્ડર સામેનો સ્ટે પણ નામદાર કોર્ટે ના મંજુર કરી દેતા આસારામ આશ્રમ નામની જમીનનો કબજો મામલતદાર દ્વારા સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો.
લંપટ આસારામને વધુ એક ફટકો પડ્યો છે જુનાગઢમાં આસારામ આશ્રમ નો કબજો સરકાર દ્વારા લેવા કોર્ટે હુકમ ફરમાવ્યો છે જુનાગઢ શહેરના હદ વિસ્તારમાં આવેલા ધારાગઢ દરવાજા પાસે આવેલ આંબાવાડીની સર્વે નંબર ૩૪ અને ૩૬ પૈકી એકર-૨ ૨૦ ગુંઠા સંબંધે કલેકટર જૂનાગઢ દ્વારા તા.૧૧ જુન ૨૦૦૨ ના આદેશથી દસ્તુરી ભરવાનું ખાનું બંધ કરવાનો આદેશ કરેલ હતો. જે ખાસ સચિવ મહેસુલ વિભાગ અમદાવાદમાં રીવીઝનમાં પણ કાયમ રહેલ હોય તે બધા હુકમો ગેરકાયદેસર ઠરાવવા અંગે મોટેરા અમદાવાદ સ્થિત આશારામજી આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા આ જમીન મામલે જૂનાગઢ કોર્ટમાં ૨૦૧૨ ની સાલમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.
જે જમીન નવાબના સમયથી આપવામાં આવતી હતી, જેમાં જમીનની માલિકી સરકારની અને તેના ઉપર ઊગેલ આંબાની માલિકી અને ફળ લેવાનો અધિકાર જે તે આસામીઓનો હતો. આવા અધિકારને દસ્તુરી કહેવામાં આવતી હતી. આ રીતે હાલની મૂળ જમીન જૂનાગઢ રાજ્ય દ્વારા આરબ આમદબિન હસનને આપવામાં આવેલ હતી, ત્યાર બાદ ઉત્તરોતર વેચાણ થતા આ જમીન આશ્રમના ટ્રસ્ટીઓ પાસે આવેલ હતી. જે જમીન મુદ્દેનો દાવો અંગે મુખ્ય સિનીયર સિવિલ જજ રામેશ્ર્વર મીરાણી દ્વારા આશારામજી આશ્રમના ટ્રસ્ટીઓનો દાવો ના મંજુર કરી દીધો હતો.
જેની સામે પક્ષકાર દ્વારા જિલ્લા કોર્ટમાં ઓર્ડર સામે સ્ટે મેળવવા અપીલ કરી હતી, તે અપીલ પણ કોર્ટે ના મંજુર કરી દેતા આજે આ જમીનનો કબજો સરકાર હસ્તક લેવા માટે સીટી મામલતદાર ત્રિવેદી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા, અને આ સર્વે નંબર ૩૪, ૩૬ ની જમીનનો કબજો સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો.