
આજથી ક્રિકેટના મહાકુંભ ICC ODI વર્લ્ડ કપ (ICC World Cup)નો પ્રારંભ થયો છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi stadium)માં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ અને રનર અપ ટીમ ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી શરૂઆત થઇ છે. રાઉન્ડ રોબિન તબક્કામાં 45 મેચો રમાડવામાં આવશે, જ્યારે ત્રણ મેચ નોકઆઉટ તબક્કામાં હશે. એટલે કે કુલ 48 મેચો રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. આ ODI વર્લ્ડ કપની 13મી વખત આયોજન થવા જઈ રહ્યો છે.

ક્રિકેટના આ મહાકુંભની સૌથી પહેલી મેચ આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે અને તેથી જ સ્વાભાવિક છે કે ઉત્સુક્તા હોય કે અમદાવાદીઓનો પ્રતિસાદ કેવો છે અને તેથી જ પહેલી મેચનું રિપોર્ટીંગ કરવા માટે gujarat first.com અને OTT India ની ટીમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહોંચી હતી. અમારા રિપોર્ટર હાર્દિક શાહ, ધ્રુવ પરમાર અને એકાન્તર ગુપ્તા તથા મૈત્રી મકવાણાએ સ્ટેડિયમ ખાતે પહોંચીને લોકો સાથે વાતચીત કરી હતી.

પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની હતી અને તેથી અમદાવાદીઓને રુચિ ઓછી હોય તેવું લાગતું હતું. સ્ટેડિયમમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. દરેક ગેલેરીમાં ગણ્યાં ગાંઠા લોકો જોવા મળતા હતા. ક્રિકેટમાં રસ ધરાવતા લોકો જ આ મેચ નિહાળવા આવ્યા હોય તેવું લાગતું હતું. લોકો બંને ટીમને ચિયર્સ અપ કરતા હોય તેવું લાગતું હતું. બંને ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારતા હતા. જો કે લોકોને તો ભારતની મેચમાં વધુ રસ હોય તેમ તેમની સાથેની વાતચીતમાં લાગતું હતું.
આજની મેચ પૂર્વે જ ક્રિકેટના ભગવાન ગણાતા પૂર્વ ક્રિકેટર સચીન તેડુંલકર પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. સચીન તેડુંલકરને તો આ વર્લ્ડ કપના ગ્લોબલ એમ્બેસેડર પણ બનાવાયા છે. તેઓની સ્ટેડિયમમાં હાજરીથી દર્શકો ખુશ થઇ ગયા હતા અને ઘણા લાંબા સમય પછી સ્ટેડિયમમાં સચીન..સચીન..ના નારા સાંભળવા મળ્યા હતા. સચીન જ્યારે ક્રિકેટ રમતા ત્યારે આવા નારા દરેક મેચમાં સાંભળવા મળતા હતા પણ તેમના નિવૃત્ત થયા બાદ આ નારા બંધ થઇ ગયા હતા. આજે અમદાવાદના સ્ટેડિયમમાં લાંબા અરસે સચીન..સચીનના નારા સાંભળવા મળ્યા હતા. સચીન તેડુંલકર કોમેન્ટ્રી બોક્સમાં કોમેન્ટરી કરતાં જોવા મળ્યા હતા. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ પણ સામાન્ય પ્રેક્ષકોની સાથે જ મેચ માણતા જોવા મળ્યા હતા.
સ્ટેડિયમમમાં લોકોની હાજરી પાંખી જણાતી હતી. જો ભારતની મેચ હોત તો આ દ્રષ્ય જુદા હોત..પણ ખેર..પહેલી મેચ હોવાથી ઘણા દર્શકો મેચ જોવા આવ્યા હતા. સામાન્ય રીતે મેચ હોય ત્યારે સ્ટેડિયમ તરફ જતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ જોવા મળતો હોય છે પણ આજની મેચ પૂર્વે રસ્તા સુમસામ જણાતા હતા. લોકોએ આજમી મેચ ટીવી પર જ માણવાનું જાણે કે નક્કી કર્યું હતું.