લાલુ પ્રસાદ યાદવ સામે કેસ દાખલ, સીબીઆઇને ગૃહ મંત્રાલયની મંજૂરી મળી

લેન્ડ ફોર જોબ કૌભાંડ સંબંધિત સીબીઆઈ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. આજે સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું કે ગૃહ મંત્રાલયે લાલુ યાદવ સામે કેસ ચલાવવાની પરવાનગી આપી દીધી છે, જ્યારે બાકીના આરોપીઓ સામે પરવાનગી મેળવવામાં હજુ 15 દિવસનો સમય લાગશે. જે બાદ વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ કેસની આગામી સુનાવણી 15 ઓક્ટોબરે કરવાનો આદેશ આપ્યો હતો.

18 સપ્ટેમ્બરના રોજ, રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ સહિત અનેક અગ્રણી લોકોને નોકરી માટે જમીન-જોબ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ જારી કર્યા હતા. આ મામલામાં તેજ પ્રતાપ યાદવને પહેલીવાર બોલાવવામાં આવ્યા છે. કોર્ટે કહૃાું કે તેજ પ્રતાપ યાદવની સંડોવણીને નકારી શકાય નહીં. જો કે શરૂઆતમાં તેને ચાર્જશીટ કરવામાં આવી ન હતી, તે એકે ઇન્ફોસિસ લિમિટેડમાં ડિરેક્ટર હતા અને હવે તેને સમન્સ મોકલવામાં આવ્યો છે.

સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ લાલુ પ્રસાદ યાદવ, તેમના બે પુત્રો અને અન્ય છ આરોપીઓને સમન્સ જારી કર્યા છે. તેમને 7 ઓક્ટોબરે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અન્ય ચાર્જશીટ કરાયેલા લોકોને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોર્ટે પોતાના સમન્સમાં અખિલેશ્ર્વર સિંહ અને તેમની પત્ની કિરણ દેવીને પણ સામેલ કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ 6 ઑગસ્ટના રોજ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 11 આરોપીઓની સૂચિ હતી. જેમાંથી ચાર લોકોના મોત થયા છે. કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, અખિલેશ્ર્વર સિંહ, હજારી પ્રસાદ રાય, સંજય રાય, ધર્મેન્દ્ર સિંહ અને કિરણ દેવીને આરોપી બનાવ્યા છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ઈડીએ અખિલેશ્ર્વર સિંહને આરોપી બનાવ્યા છે, જ્યારે તેમની પત્ની કિરણ દેવી પર શરૂઆતમાં આરોપ લગાવવામાં આવ્યો નથી. જો કે, તે તેના પુત્ર અભિષેકની નોકરીના બદલામાં મીસા ભારતીને જમીન વેચવાના કેસમાં સામેલ છે. કોર્ટે કહૃાું કે આરોપીઓ સામે આગળની કાર્યવાહી માટે પૂરતી સામગ્રી છે.

Don`t copy text!