
ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રાત્રે ૯ વાગ્યે ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ દેખરેખ હેઠળ છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ માહિતી અપોલો હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે.
ગયા અઠવાડિયે પણ ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને એઈમ્સ નવી દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે તેને ફોલોઅપ માટે આવવાની સલાહ આપી હતી. બુધવારે તેમની તબિયત લથડી હતી. ૯૬ વર્ષીય અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એમ્સના જેરિયાટ્રિક વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ૨૬ જૂન, બુધવારે રાત્રે લગભગ ૧૦:૩૦ વાગ્યે તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
તેઓ ૨૦૧૪થી સક્રિય રાજકારણથી દૂર છે. હાલમાં જ તેમની તસવીર સામે આવી હતી, જ્યારે એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને તેમના ઘરે મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.