નવીદિલ્હી,
જમીનના બદલામાં નોકરી આપવાના મામલે દિલ્હી કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેમની પુત્રી અને આરજેડી સાંસદ મીસા ભારતી તથા અન્ય આરોપીઓને જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે સીબીઆઈએ ધરપકડ કર્યા વગર ચાર્જશીટ દાખલ કરી છે. રાઉજ એવન્યુ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી ૨૯ માર્ચે થશે. અત્રે જણાવવાનું કે સીબીઆઈએ નોકરીના બદલે જમીન કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રીઓ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતી તથા અન્ય ૧૩ વિરુદ્ધ ગત વર્ષ ઓક્ટોબરમાં ચાર્જશીટ દાખલ કરી હતી. શું છે આ મામલો?.. તે જાણો.. લાલુ પ્રસાદ યાદવ ૨૦૦૪થી ૨૦૦૯ વચ્ચે રેલવે મંત્રી હતા ત્યારે તેમના પરિવારને ભેટમાં જમીન આપીને કે પછી જમીન વેચવાના બદલામાં રેલવેમાં કથિત રીતે ગ્રુપ-ડીની નોકરી સંલગ્ન છે. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક લોકોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં સ્થિત રેલવેના વિવિધ ઝોનમાં ૨૦૦૪-૨૦૦૯ દરમિયાન ગ્રુપ-ડી પદો પર નિયુક્ત કરાયા અને તેમના બદલામાં તે લોકોને કે તેમના પરિવારના સભ્યોએ પ્રસાદ અને એ કે ઈન્ફોસિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના નામ પર પોતાની જમીન આપી. ત્યારબાદ આ કંપનીનું સ્વામિત્વ લાલુ પ્રસાદના પરિવારના સભ્યોએ પોતાના હાથમાં લીધુ હતું એવો પણ આરોપ છે કે પટણામાં લાલુ પ્રસાદના પરિવારના સભ્યોએ પાંચ વેચાણ સોદા, બે ભેટ સોદાના માધ્યમથી ૧,૦૫,૨૯૨ વર્ગ ફૂટ જમીન લોકો પાસેથી લીધી. આ માટે વિક્રેતાઓને કેશ ચૂકવણી કરવાનું કહેવાયું. આ જમીનની કિંમત વર્તમાન સકલ રેટ મુજબ ૪.૩૨ કરોડ રૂપિયા છે. પરંતુ લાલુ પ્રસાદના પરિવારને આ જમીન ખુબ સસ્તા ભાવે વેચવામાં આવી. આરોપ છે કે નિયુક્તિઓ માટે રેલવે ઓથોરિટી તરફથી બહાર પડેલા દિશા નિર્દેશો અને જરૂરી પ્રક્રિયાઓને બાજુમાં મૂકીને કથિત લાભાર્થીઓની સેવાઓ નિયમિત કરવામાં આવી.