મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વ-સહાય જૂથ સખીમંડળની નારીશક્તિને પ્રોત્સાહિત કરતાં તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્ર્વાસ સંપાદિત કરવા પ્રેરક આહવાન કર્યું હતું.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખીમંડળની શાખ, પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદનોનું વેચાણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આપોઆપ ઊંચું જશે જ.
મુખ્યમંત્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘સખી સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વ-સહાય જૂથની બહેનો સાથે વાર્તાલાપ કરતાં આ આહવાન કર્યું હતું.ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ સખી સંવાદમાં ૨૮ હજાર સ્વ-સહાય જૂથોની પોણા ત્રણ લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ મળીને રૂ. ૩૫૦ કરોડના સહાય લાભનું મુખ્યમંત્રીશ્રીએ વિતરણ કર્યું હતું.તેમણે ડાંગ આહવાથી લઈને બનાસકાંઠા-વડુ અને પંચમહાલ થી પોરબંદર સુધીના જિલ્લાઓની ૧૭ જેટલી ગ્રામ્ય સખીમંડળ બહેનો સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને તેમની સફળતા ગાથા જાણી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સખીમંડળ દ્વારા બનાવવામાં આવતી ચીજ વસ્તુઓના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધીની એક આખી ચેઇન ઊભી કરવા સાથે પ્રોડક્ટ્સ માર્કેટિંગમાં આવતી નાની-મોટી સમસ્યા હલ કરવા માટે પણ સરકાર પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્ર્વાસ આપ્યો હતો.મુખ્યમંત્રીએ અર્થતંત્રમાં મહિલાઓના યોગદાનને વેગ આપવા સાથે વુમન એમ્પાવરમેન્ટ માટે વડાપ્રધાનશ્રીએ ‘ગ્યાન’ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ ચાર સ્તંભના વિકાસ પર દેશની વિકાસગતિ તેજ બનાવવા નિર્ધાર કર્યો છે તેમ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ આ વર્ષના બજેટમાં મહિલાઓ માટે રૂ. ૩ લાખ કરોડની વિવિધ યોજનાઓ આપી છે. બહેનોને આત્મનિર્ભરતાના માર્ગે વાળવા ગ્રામીણ મહિલાઓને ડ્રોન પાયલોટ તાલીમ આપીને ‘ડ્રોન દીદી’ તરીકે સશક્ત કરવાનું કામ વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં થયું છે તેની ભૂમિકા ભૂપેન્દ્ર પટેલે આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશભરમાં માતા-બહેનોને આથક રીતે પગભર કરવા ૩ કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે અને ગુજરાતે આવી ૭.૫૦ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે.એટલું જ નહીં, રાજ્ય સરકારે નવી ખરીદ નીતિ અંતર્ગત જેમ પોર્ટલ પર ઓનલાઈન ખરીદીમાં પણ મહિલા ઉદ્યોગ સાહસિકોની માલિકીના ઉત્પાદનની ખરીદીને પ્રોત્સાહિત કરવાની જોગવાઈઓ કરી છે.