
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી કેસના આરોપી આશિષ મિશ્રાની વચગાળાની જામીનની શરતોમાં ફેરફાર કર્યો છે. કોર્ટે આશિષ મિશ્રાને દિલ્હીમાં રહેવાની મંજૂરી આપી છે. તેની બીમાર માતાની સંભાળ લેવા અને પુત્રીની સારવાર કરાવવા માટે દિલ્હી આવવાની પરવાનગી આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે એક શરત મૂકી છે કે તે પેન્ડિંગ કેસના સંબંધમાં કોઈપણ જાહેર સમારંભમાં ભાગ લેશે નહીં. ઉપરાંત, તેમને મીડિયાને સંબોધવાની મંજૂરી આપવામાં આવી નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેમના યુપીમાં પ્રવેશ પરનો પ્રતિબંધ પણ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ ખેડૂત કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર વાહન ચડાવવામાં આવ્યું હતું. જેમાં કેટલાક લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા પર ખેડૂતોની હત્યાનો આરોપ લાગ્યો હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે જામીન પર મુક્ત છે.