નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે ૨૦૨૧માં ખેડૂતોના આંદોલન દરમિયાન લખીમપુર ખેરીમાં થયેલા વિવાદ કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાના વચગાળાના જામીનને આગામી સુનાવણી સુધી જાળવી રાખ્યા છે. આશિષ મિશ્રાએ નિયમિત જામીન અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તેની સુનાવણી ચાલી રહી છે. કેસની સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે તેમની પાસે માહિતી છે કે આશિષ મિશ્રાએ યુપી જઈને લોકોને ટ્રાઈસિકલ વહેંચીને જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે અને તેમની પાસે આના પુરાવા પણ છે.
વકીલ પ્રશાંત ભૂષણની આ દલીલનો આશિષ મિશ્રાના વકીલે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ આરોપોમાં કોઈ સત્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આશિષ મિશ્રાએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે તો તે ગંભીર બાબત છે. સુપ્રીમ કોર્ટે વકીલ પ્રશાંત ભૂષણને આ કેસમાં એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે યુપી ટ્રાયલ જજ દ્વારા ૨૦ એપ્રિલે મોકલવામાં આવેલ રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
ટ્રાયલ કોર્ટના જજ દ્વારા મુશ્કેલી વ્યક્ત કરવામાં આવી છે કારણ કે બે સાક્ષીઓએ જણાવ્યું છે કે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે જુબાની આપવા તૈયાર નથી અને ત્યારબાદ સરકારી વકીલે ટ્રાયલ કોર્ટને સહકાર આપ્યો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે સરકારી વકીલ અને પોલીસે સાક્ષીઓની હાજરી સુનિશ્ચિત કરવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે જેથી ટ્રાયલ કોર્ટનો સમય વેડફાય નહીં. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ટ્રાયલ ઝડપી બનાવવા પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટ હવે ૪ અઠવાડિયા પછી આ કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રા ઉર્ફે મોનુને શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે.