લખીમપુર ખીરી પોલીસે ૪ વર્ષના બાળક સામે એફઆઇઆર નોંધી

લખીમપુરખીરી, લખીમપુર ખીરી જિલ્લાની પોલીસના અજબ-ગજબ કારનામાં સામે આવતા રહા છે. અગાઉ બંદૂકની અણીએ પ્લોટનો કબજો લેવા બદલ ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વૃદ્ધ સામે જિલ્લા પોલીસે ગુનો નોંધ્યો હતો અને હવે બકરા ચરાવવા બાબતે બે જૂથ વચ્ચે થયેલી મારામારી મામલે ૪ વર્ષના માસૂમ બાળક પર મારપીટ જેવી ગંભીર કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

ખીરી પોલીસ સ્ટેશન વિસ્તારના સોંથપુર ગામના રહેવાસી કૃષ્ણપાલનો તેના પડોશીઓ સાથે બકરા ચરાવવાને લઈને વિવાદ થયો હતો. બીજા જૂથના લોકોએ કૃષ્ણપાલ સહિત તેની પત્ની, ૧૧ વર્ષની પુત્રી અને તેના ૪ વર્ષના પુત્ર સામે મારપીટ જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.૪ વર્ષના માસૂમ બાળક પર મારપીટ જેવી ગંભીર કલમો હેઠળ એફઆઇઆર નોંધવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લખીમપુરના સીઓ સંદીપ સિંહે આ મામલાને ગંભીરતાથી લઈને કેસમાંથી બાળકનું નામ હટાવવાનો સંકેત આપ્યો છે.

સીઓ સંદીપ સિંહે જણાવ્યું કે, મામલો સામે આવ્યો છે કારણ કે, ફરિયાદી અરજી જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યારે તેમાં આરોપીની ઉંમરનો ઉલ્લેખ કરવામાં નથી આવતો. એપ્લિકેશન આપનાર તેની માહિતી નથી આપતા. એક કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં બાળકનું નામ પણ સામેલ છે. આ તપાસનો વિષય છે. જો બાળક આ ઘટનામાં સામેલ ન હોય તો તેનું નામ FIR માંથી કાઢી નાખવામાં આવશે.