લખીમપુર ખેરી કેસ:આશિષ મિશ્રાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ શરતો સાથે આપ્યા વચગાળાના જામીન

નવીદિલ્હી,

યુપીના લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનુને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે લખીમપુર ઘટનાના આરોપી આશિષ મિશ્રાને આઠ સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જામીન દરમિયાન આશિષ મિશ્રાને યુપી અને દિલ્હીની બહાર રહેવું પડશે અને આશિષ મિશ્રાએ પણ જેલમાંથી છૂટ્યાના ૧ અઠવાડિયાની અંદર યુપી છોડવું પડશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે હજુ અંતિમ જામીન અરજી પર પોતાનો અંતિમ અભિપ્રાય વ્યક્ત કરી રહી નથી. આશિષ મિશ્રા જામીન મળ્યાના એક સપ્તાહમાં યુપીની બહાર જશે. તે યુપી કે એનસીઆરમાં રહી શકશે નહીં. તે કોર્ટને તેના લોકેશન વિશે માહિતી આપતો રહેશે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે જો તે અથવા તેના પરિવારના કોઈ સભ્ય કોઈ સાક્ષીને ધમકાવાનો પ્રયાસ કરશે તો તેના જામીન રદ કરવામાં આવશે. કોર્ટે આ કેસમાં અન્ય ૪ આરોપીઓને પણ વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે આશિષ મિશ્રા જ્યાં પણ રહેશે, તેમણે ત્યાંના પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. કેસની આગામી સુનાવણી ૧૪ માર્ચે થશે.

હકીક્તમાં, સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની જામીન અરજી પર પોતાનો ચુકાદો સંભળાવ્યો, જે ૨૦૨૧ના લખીમપુર ખેરી હિંસા કેસમાં આરોપી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. ના. મહેશ્ર્વરીની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. ખંડપીઠે ગત ૧૯ જાન્યુઆરીએ મિશ્રાની અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

૩ ઓક્ટોબર, ૨૦૨૧ ના ??રોજ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના ટિકુનિયામાં હિંસા દરમિયાન આઠ લોકો માર્યા ગયા હતા. આ હિંસા ત્યારે થઈ જ્યારે ખેડૂતો ઉત્તર પ્રદેશના તત્કાલિન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની આ વિસ્તારમાં મુલાકાતનો વિરોધ કરી રહ્યા હતા.

ઉત્તર પ્રદેશ પોલીસની એફઆઈઆર મુજબ, આશિષ મિશ્રા જે કારમાં બેઠા હતા તેને ચાર ખેડૂતોને કચડી દીધા હતા. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતો દ્વારા એસયુવીના ડ્રાઈવર અને ભાજપના બે કાર્યર્ક્તાઓને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. આ હિંસામાં એક પત્રકારનું પણ મોત થયું હતું.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ગયા વર્ષે ૨૬ જુલાઈના રોજ આશિષ મિશ્રાની જામીન અરજી ફગાવી દીધી હતી. આશિષ મિશ્રાએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે ૧૯ જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને અનિશ્ર્ચિત સમય માટે જેલમાં ન રાખવો જોઈએ. જોકે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

જામીન અરજીનો વિરોધ કરતા ઉત્તર પ્રદેશના એડિશનલ એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદે કહ્યું હતું કે આ એક ગંભીર અને જઘન્ય ગુનો છે અને જામીન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જશે. આશિષ મિશ્રા ઉપરાંત આ કેસના અન્ય ૧૨ આરોપીઓમાં અંક્તિ દાસ, નંદન સિંહ બિષ્ટ, લતીફ કાલે, સત્યમ ઉર્ફે સત્ય પ્રકાશ ત્રિપાઠી, શેખર ભારતી, સુમિત જયસ્વાલ, આશિષ પાંડે, લવકુશ રાણા, શિશુ પાલ, ઉલ્લાસ કુમાર ઉર્ફે મોહિત ત્રિવેદી, રિંકુ રાણા અને ધર્મેન્દ્ર બંજારા. તમામ ૧૩ આરોપીઓ હજુ પણ જેલમાં છે અને તેમની સામે રમખાણો, ૧૪૯ (ગેરકાયદેસર એસેમ્બલી), ૩૦૨ (હત્યા) અને ૩૦૭ (હત્યાનો પ્રયાસ) સાથે સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪૭ અને ૧૪૮ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.