નવીદિલ્હી, લખીમપુર ખેરી કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની રાહત હજુ પણ અકબંધ છે. વાસ્તવમાં આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને આપવામાં આવેલ વચગાળાના જામીન આગામી સુનાવણી સુધી યથાવત રાખ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રાયલ કોર્ટે આ કેસમાં પોતાનો રિપોર્ટ આગળ દાખલ કરવો જોઈએ. આપને જણાવી દઈએ કે, ખેડૂતોના આંદોલન દરમિયાન લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં આરોપી આશિષ મિશ્રાની નિયમિત જામીનની માંગ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.
હાલ આશિષ મિશ્રાને જામીન મળી ગયા છે. આ કેસની છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે સુનાવણીની ઝડપ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. કોર્ટે સતત સુનાવણીનો આદેશ આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે નીચલી અદાલતમાં દૈનિક સુનાવણીનો આદેશ આપી શકાય નહીં કારણ કે તેનાથી અન્ય પડતર કેસોની સુનાવણીને અસર થશે. આ ઉપરાંત કોર્ટે આરોપી આશિષ મિશ્રાને આપવામાં આવેલ વચગાળાના જામીનમાં પણ વધારો કર્યો હતો.
૨૭ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આરોપી મિશ્રાની જામીન શરતોમાં ફેરફાર કર્યો હતો. આ સમય દરમિયાન, તેમને તેમની માતાની સંભાળ રાખવા અને તેમની પુત્રીની સારવાર કરાવવા માટે દિલ્હી આવવાની મંજૂરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે શરત મૂકી હતી કે પેન્ડિંગ કેસના સંબંધમાં તે કોઈપણ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે નહીં કે મીડિયાને સંબોધિત કરશે નહીં. ઉપરાંત, કોર્ટે તેના યુપીમાં પ્રવેશ પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે.૩ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ, લખીમપુર ખેરી જિલ્લાના ટિકુનિયામાં આઠ લોકોના મોત બાદ હિંસા ફાટી નીકળી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ખેડૂતો ઉત્તર પ્રદેશના તત્કાલિન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની આ વિસ્તારની મુલાકાતનો વિરોધ કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશ પોલીસની એફઆઇઆર મુજબ, એક કારેે ચાર ખેડૂતોને કચડી નાખ્યા, જેમાં આશિષ મિશ્રા બેઠા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા એસયુવીના ડ્રાઈવર અને ભાજપના બે કાર્યકરોને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. આ હિંસામાં એક પત્રકારનું પણ મોત થયું હતું.