લાહોરમાં એકયુઆઇ ખરાબ થતાં કૃત્રિમ વરસાદ કરવામાં આવ્યો

લાહોર, તાજેતરના મહિનાઓમાં, પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારતના પંજાબને અડીને આવેલા શહેર લાહોરમાં પ્રદૂષણનું સ્તર ખૂબ ઊંચું થઈ ગયું છે. જેના કારણે લાહોર વિશ્વના સૌથી ખરાબ પ્રદૂષિત શહેરમાં ટોચ પર છે. હાલ એવી સ્થિતિ થઈ ગઈ કે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આના પર પાકિસ્તાને મોટું પગલું ભર્યું અને પહેલીવાર લાહોર શહેર પર કૃત્રિમ વરસાદ કર્યો છે. આ કૃત્રિમ વરસાદને કારણે લાહોરના વાતાવરણમાં થોડો સુધારો થયો છે. પરંતુ શું તમને ખબર છે પાકિસ્તાને આ કૃત્રિમ વરસાદ કેવી રીતે બનાવ્યો?

આઇકયુ એર અનુસાર, ૧૮ ડિસેમ્બર સુધીમાં, લાહોરમાં એકયુઆઇ સ્તર ૧૯૨ હતું, જે બિનઆરોગ્યપ્રદ શ્રેણીમાં છે. પાકિસ્તાને પ્રથમ વખત કૃત્રિમ વરસાદ કર્યો છે. લાહોરમાં આ વરસાદને કારણે લાહોરની આબોહવાની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. પાકિસ્તાને વરસાદ માટે ૪૮ ફ્લેરવાળા બે એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો. તેમને આ વિમાન યુએઇ તરફથી ભેટમાં મળ્યું છે.

પાકિસ્તાનમાં પ્રથમ વખત ધુમ્મસને દૂર કરવા માટે કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને સંયુક્ત આરબ અમીરાતમાંથી મળેલા વરસાદનો ઉપયોગ કરીને લાહોરમાં ધુમ્મસ દૂર કરવા માટે કૃત્રિમ વરસાદ બનાવ્યો. વચગાળાના મુખ્ય પ્રધાન મોહસિને જણાવ્યું હતું કે ક્લાઉડ સીડિંગ સાધનોથી સજ્જ વિમાનોએ લાહોરના ૧૦ વિસ્તારોમાં ઉડાન ભરી હતી. લાહોર ઘણીવાર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, પાકિસ્તાનમાં વાયુ પ્રદૂષણ નીચા-ગ્રેડ ડીઝલના ધૂમાડા અને મોસમી પાક સળગાવવાના ધુમાડાને કારણે વધુ ખરાબ બન્યું છે. ઓક્ટોબર મહિનાથી જ પાકિસ્તાનની રખેવાળ સરકાર કૃત્રિમ વરસાદ કરવા માટે ગંભીરતાથી વિચારી રહી હતી.

કૃત્રિમ વરસાદને ક્લાઉડ સીડીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રાસાયણિક વરસાદ છે. જેમાં ખાસ રસાયણોની મદદથી વાદળોને વરસાદ માટે તૈયાર કરવામાં આવે છે. આનાથી થતા વરસાદને કૃત્રિમ વરસાદ કહે છે. જો કે, આ એક સરળ પ્રક્રિયા નથી. આ માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્યંત પ્રદૂષિત હવાના કિસ્સામાં, ઘણા દેશોએ જ્યારે જરૂરી હોય ત્યારે કૃત્રિમ વરસાદ બનાવ્યો છે. ચીનની રાજધાની બેઇજિંગમાં પણ કૃત્રિમ વરસાદ કરવામાં આવ્યો છે. ત્યાં યોજાનારી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ પહેલા કૃત્રિમ વરસાદ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ચીનમાં, ૨૦૦૮ માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં ક્લાઉડ સીડિંગ સાધનોથી સજ્જ ૨૧ એરક્રાફ્ટ ની મદદથી કૃત્રિમ વરસાદની રચના કરવામાં આવી હતી.