લાહોરમાં હાફિઝ સઇદના ઘર પાસે મોટો વિસ્ફોટઃ ત્રણના મોત, ૨૦ ઘાયલ

પાકિસ્તાનના લાહોરમાં જૈશ-એ-મોહમ્મદના વડા આતંકવાદી હાફિઝ સઇદના ઘરની બહાર એક મોટો વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. એક કારમાં આ બોમ્બ ફિટ કરવામાં આવ્યો હતો. ઘાયલોમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે હાફિઝ સઇદ આતંકવાદી છે અને પાકિસ્તાન પોલીસનો દાવો છે કે તેના ઘર બહાર થયેલો હુમલો પણ આતંકીઓ દ્વારા કરાયો હોવાની શક્યતા છે.

કારમાં બોમ્બ ફિટ કરાયો હતો, માર્કિંગમાં થયેલા વિસ્ફોટથી આસપાસની ઇમારતોના કાચ તુટયા, તપાસ શરૃ

પાકિસ્તાનના કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી)એ હુમલા સ્થળને પોતાના કબજામાં લઇ લીધુ હતું અને સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. આ વિસ્ફોટ એટલો તિવ્ર હતો કે સ્થળની આસપાસની ઇમારતોના બારીના કાચ પણ તુટી ગયા હતા. સાથે જ અનેક વાહનોને પણ ભારે નુકસાન થયું હતું. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે કોઇ અજાણ્યા શખ્સે પાર્કિંગ સ્થળે કાર પાર્ક કરી હતી, બાદમાં તેમાં બ્લાસ્ટ થઇ ગયો હતો. પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુજદરે પોલીસ પાસે વિસ્ફોટની સમગ્ર માહિતી માગી છે.

વિસ્ફોટમાં ઘવાયેલા લોકોને લાહોરના જિન્ના હોસ્પિટલમાં લઇ જવાયા છે. આ હોસ્પિટલમાં ઇમર્જન્સી પણ જાહેર કરી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસનો દાવો છે કે આતંકીઓ દ્વારા આ વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો હતો, જોકે નજીક જ હાફિઝ સઇદનું પણ ઘર હોવાથી આતંકીઓના નિશાના પર કોણ હતું તે સ્પષ્ટતા નથી થઇ શકી અને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કારમાં ક્યા પ્રકારની વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરાયો હતો તેની પણ તપાસ ચાલી રહી છે. હજુસુધી કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી નથી સ્વીકારી.