
નવી દિલ્હી,
બહુચચત શ્રદ્ધા મર્ડર કેસની વચ્ચે ગિરિરાજ સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહે આ સમગ્ર મામલાને લવ જેહાદ સાથે જોડી દીધો છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે દેશમાં લવ જેહાદનું મિશન ચાલી રહ્યું છે જે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે નામ, પહેરવેશ, વેશ બદલીને હિન્દુ યુવતીઓ સાથે આવુ સતત થઈ રહ્યું છે.
ગિરિરાજ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે લાખો ’શ્રદ્ધા’ઓ શહીદ થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં બિન-મુસ્લિમ છોકરીઓને પોતાના પ્રેમમાં ફસાવીને તેમનો ધર્મ પરિવર્તન કરાવવા માટે મજબૂર કરવામાં આવે છે અને જો તેઓ આમ ન કરે તો ’શ્રદ્ધા’ જેવી જ હાલત થાય છે. આ જઘન્ય અપરાધ સામે આપણે સજાગ રહેવાની જરૂર છે. તે જ સમયે, કૉંગ્રેસના કોમ્યુનિકેશનના પ્રભારી જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલા દ્વારા યુવાન શ્રદ્ધા વૉકરની હત્યા પર દેશનો આઘાત અને ગુસ્સો શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેવું નથી. તેમણે ટ્વિટર પર કહ્યું, ’આ જઘન્ય અપરાધ પ્રાણીવાદથી ભરેલો છે અને ગુનેગારને સખતમાં સખત સજા મળવી જોઈએ. શ્રદ્ધા અને ભારતની દીકરીઓ ન્યાયની હકદાર છે.