
અમરેલીના મીઠાપુરમાં મકવાણા પરિવારના ઘરે લગ્નનો માંડવો બંધાયો હતો. વિશાલના લગ્નના ઢોલ ઢબુકી રહ્યા હતા. રુડા મંગળ ગીતો ગવાઇ રહ્યા હતા. એટલામાં વિશાલ બહાર ગયો અને થોડીવારમાં સમાચાર આવ્યા કે વિશાલની હત્યા થઇ ગઇ છે.. સમાચાર આવતાની સાથે જ મકવાણા પરિવારના ઘરમાં શરણાઈના સૂરને બદલે મોતનો માતમ છવાઇ ગયો…
યુવતીના લગ્ન નક્કી થયા તે શોએબને પસંદ ન હતું ઘટનાની વિગતે વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર (નક્કી) ગામના વિશાલ મકવાણાની સગાઇ એક યુવતી સાથે નક્કી થઇ હતી. જેના આવતીકાલે (તા. 22/02/2025)ના રોજ લગ્ન હતા. પરંતુ વિશાલની મંગેતર સાથે શોએબ નામના શખ્સને પ્રેમ સંબંધ હતો. જેથી શોએબને આ લગ્ન મંજૂર ન હતા. જેથી શોએબે વિશાલને અગાઉ ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, વિશાલે તેને નજરઅંદાજ કરી હતી.
મળવા બોલાવી વિશાલનું ઢીમ ઢાળી દીધું આ દરમિયાન ગુરુવારે (તા. 20/02/2025)ના સાંજના સમયે શોએબે વિશાલને દલખાણીયાની સીમમાં મળવા બોલાવ્યો હતો. જેથી વિશાલ શોએબને મળવા ગયો હતો. જ્યાં શોએબનો એક મિત્ર પણ હાજર હતો. વિશાલ મળવા જતાં સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા શોએબે તિક્ષ્ણ હથિયારોથી વિશાલનું ઢીમ ઢાળી દીધું હતું. શોયેબ અને તેનો મિત્ર ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ વિશાલની હત્યાના સમાચાર મળતાં જે ઘરમાં લગ્નની શરણાઈ વાગવાની હતી તે ઘરમાં માતમ છવાઈ ગયો હતો.
બે લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હત્યાની ઘટનાને પગલે પોલીસ પણ તાત્કાલીક પહોંચી હતી. લાશને ફોરેન્સિક રિપોટ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતક વિશાલના પિતાએ ધારી પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરીયાદ નોંધાવી છે.
મૃતકના કાકા કનુ મકવાણાએ જણાવ્યું કે, મોઢા પર અને અન્ય જગ્યાએ છરીના ઘા માર્યા હતા. જેથી અમારા આ છોકરાનું મોત થયું છે. સરકાર અમને ન્યાય આપે. આરોપીને કા તો ફાંસીની સજા થવી જોઈ અને કા એને આજીવન જેલ થવી જોઈએ. છોકરીની કઈક બાબતે આ ઘટના બની છે. અમારો દીકરો તો નિર્દોષ છે.
સામાજિક અગ્રણી રમેશ મકવાણાએ જણાવ્યું કે, ધારીના દલખાણીયાનો બનાવ છે. આજે આ વિશાલનો માંડવો હતો. જ્યારે કાલે તો જાન જવાની હતી, તેવા સમયે આ દુઃખદ ઘટના બની છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી.નયના ગોરડીયાએ જણાવ્યું કે, ફરીયાદી મનોજભાઈના દીકરા વિશાલના એક યુવતી સાથે લગ્ન નક્કી થયેલા હતા. વિશાલ અને યુવતીના આવતીકાલે લગ્ન હતા. આરોપી શોએબ ખાંભા તાલુકાના ખડાધારનો રેહવાસી છે, જેને યુવતી સાથે પ્રેમસબંધ હતો. જોકે, આ યુવતીના લગ્ન વિશાલ સાથે થવાના હતા જે આરોપીને ન ગમતા તેણે પહેલા સોશિયલ મીડિયામાં વિશાલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારબાદ વિશાલને દલખાણીયાની સીમમાં બોલાવી જ્યાં બીજા એક મિત્રની મદદથી ઈજાઓ પહોંચાડી વિશાલની હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. હાલ અલગ અલગ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવા માટે પ્રયત્ન ચાલુ છે.