
સુરત,સુરતમાં એક પરિણીતાની હત્યા કરવામાં આવી છે. યુવકે બળજબરીથી પરિણીતાને પોતાની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું પરંતુ પરિણીતાએ લગ્નની ના કહેતા યુવકે પરિણીતાને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવમાં પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના મગદલ્લા વાય જંકશન પાસે ફૂટપાથ પર એક મહિલાની લાશ મળી આવી હતી બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ વૈશાલી રવિભાઈ રાઠોડ ચઉ.૩૫ૃ તરીકે થઇ હતી.
પોલીસ તપાસ દરમ્યાન પરિણીતાને કૃણાલ ઉર્ફે પપ્પુ અરુણ ભાઈ સોનીએ લાકડાના ફટકા મારી હત્યા કરી દીધી હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે કૃણાલ ઉર્ફે પપ્પુ અરુણ ભાઈ સોની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં વેસુ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ડીસીપી સાગર બાગમરેએ જણાવ્યું હતું કે પરિણીતા અને આરોપી એકબીજાના પરિચયમાં હતા. આરોપી કુણાલે પરિણીતાને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. પરંતુ પરિણીતાએ લગ્નની ના પાડતી હતી. જેથી તેની અદાવત રાખી લાકડાના ફટકા મારી પરિણીતાની હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.