અમદાવાદ, શહેરના વાસણા વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપીને વિશ્ર્વાસ કેળવ્યા બાદ શારિરીક સંબધ બાંધીને તબક્કાવાર ૧૧ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી હોવાની ફરિયાદ વાસણા પોલીસ મથકે નોંધવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં રહેતા આરોપીએ પરિણીત હોવાની વાત છુપાવીને સમગ્ર છેતરપિંડી આચરી હતી. આ અગે પોલીસે મુખ્ય આરોપી તેમજ તેના પરિવારના સભ્યો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શહેરના વાસણા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય મહિલાએ વાસણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે એક વર્ષ પહેલા તેમને પરિચય દેવાંગ મહેતા (રહે.સંકલ્પ ટાઉનશીપ, દુધરેજ રોડ, સુરેન્દ્રનગર) સાથે થયો હતો. દેવાંગે પોતે અપરિણીત હોવાનું કહીને મહિલા સાથે મિત્રતા કેળવી હતી. જેમાં મહિલાના સંતાનોની કાળજી લેવાની ખાતરી આપી હતી. જેથી મહિલાએ વિશ્ર્વાસ કર્યો હતો. જેમાં દેવાંગે તબક્કાવાર ૧૧ લાખ જેટલા નાણાં પણ લીધા હતા. દેવાંગે મહિલા સાથે શારિરીક સંબધ પણ બાંયો હતો. જો કે મહિલાને દેવાંગ પરિણીત હોવાની વાતની જાણ થઇ હતી. જેથી મહિલાએ તેની પાસેથી ૧૧ લાખ રૂપિયા પરત માંગીને સંબધ તોડવાની વાત કરી હતી. પરંતુ, દેવાંગ અને દેવાંગની પત્ની સહિતના પરિવારજનોએ મહિલાને તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપી હતી. આ અગે વાસણા પોલીસે બળાત્કાર અને છેતરપિંડીનો ગુનોં નોંધીને તપાસ શરૂ કરી છે.