લગ્નના થોડા જ કલાકો બાદ ૩૭ વર્ષના સિંગરનું મોત થયું

નવીદિલ્હી,

હોલીવુડના પ્રખ્યાત કન્ટ્રી સિંગર જેક લિન્ટનું નિધન થયું છે. તેઓએ ૨૬ નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. થોડા કલાકો બાદ જ તેમણે ઊંઘમાં જ દુનિયાને અલવિદા કહી દીધી હતી. સિંગરના આકસ્મિક નિધનથી તેની પત્ની બ્રેન્ડા, તેનો પરિવાર અને નજીકના મિત્રો આઘાતમાં છે. જેક ૩૭ વર્ષનો હતો. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું.

જેક લિન્ટ ઓક્લાહોમાનો રહેવાસી હતો. સિંગરના પબ્લિસિસ્ટ ક્લિફ ડોયલે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે, જેક લિન્ટ ૨૬ નવેમ્બર શનિવારના રોજ બ્રેન્ડા સાથે લગ્ન કર્યાના થોડા કલાકો બાદ તેની ઊંઘમાં જ દમ તોડી દીધો હતો. જેકની પત્ની બ્રેન્ડા તેના પતિના અચાનક નિધનથી સદમામાં છે. આ અંગે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે.

બ્રેન્ડા લિન્ટે ફેસબુક પોસ્ટમાં લખ્યું, અત્યારે આપણે આપણા લગ્નની તસવીરો જોવાની હતી પરંતુ આ સમયે મારે વિચારવું પડી રહ્યું છે કે, મારા પતિને કયા કપડામાં દફનાવવું. લોકોને આટલું દુ:ખ ન મળવું જોઈએ. મારું હૃદય ચાલ્યું ગયું છે અને મને તેની જરૂર છે. હું ઈચ્છું છું કે તે પાછા મારી પાસે આવી જાય.

જેક લિન્ટે વર્ષ ૨૦૧૬માં તેની સિંગિંગની શરૂઆત કરી હતી. તેના પ્રથમ આલ્બમનું નામ આઇએમ નોટ ઓકે હતું. તેનું બીજું આલ્બમ ૨૦૨૦ માં આવ્યું, જેનું નામ તેણે પોતાના નામ પર રાખ્યું. તેમના સોન્ગ ફાયરલાઈન, વોટ્સ યોર નેમ અને અન્ય સોન્ગ ખૂબ જ પ્રખ્યાત હતા.