સંતરામપુર,ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળે ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ફરી અનેક પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આ વચ્ચે મહીસાગર જિલ્લામાં બપોર બાદ વરસાદ ખાબક્યો હતો. જેમાં સંતરામપુર તાલુકાના હરીગરના મુવાડા ગામે લગ્ન પ્રસંગમાં કમોસમી વરસાદ વિલન બન્યો હતો. ક્ધયા વિદાય પ્રસંગે ભારે પવન સાથે વરસાદ ખાબકતા જાનૈયાઓમાં નાસભાગ મચી હતી. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હરીગરના મુવાડા ગામે લગ્ન પ્રસંગમાં કમોસમી વરસાદ વિલન બન્યો હતો. હરીગરના મુવાડા ગામે લગ્ન પ્રસંગમાં વરસાદ ખાબકતા મંડપ ઊડ્યો હતો. ભારે વરસાદના કારણે મંડપ તૂટી પડતાં જાનૈયાઓમાં નાશભાગ મચી હતી. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ ક્ધયા વિદાય પ્રસંગે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. લુણાવાડા તાલુકાના સેમાંરાના મુવાડા ગામેથી હરિગરના મુવાડા ગામે જાન ગઈ હતી. ઉલ્લેખનિય છે કે, સમગ્ર મંડપ તુટી પડતા મંડપ માલિકને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
મંડપના થાંભલા એકાએક ભોંય પર પડવા લાગ્યા. સંતરામપુર તાલુકાના હરીગરના મુવાડા ગામે આજે લગ્ન પ્રસંગમાં વરસાદ વિઘ્ન બન્યો હતો. બપોર બાદ એકાએક ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ વરસતા લગ્નનો મંડપ ઊડ્યો હતો. એક તરફ ક્ધયાની વિદાય ચાલી રહી હતી. તેવા સમયે મંડપ ઉડતા જાનૈયાઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મંડપના થાંભલા એકાએક ભોંય પર પડવા લાગ્યા હતા. જોકે આખા બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વરસાદ, વાવાજોડું બંધ થયા બાદ ક્ધયાની વિદાય કરવામાં આવી હતી. એક તરફ તડકો અને બીજી તરફ વરસાદ વરસી રહ્યો હતો. જેમાં કેટલાક બાળકોએ પણ નાહવાની મજા માણી હતી. ત્યારે ભર ઉનાળે વરસાદ વરસતા ખેતીના પાકો અને પશુધન માટેના ઘાસચારાને પણ નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે. જ્યારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા આંબાઓ પર રહેલી કેરીઓ પણ ખરી જવાની શક્યતાઓ રહેલી છે. અગાઉ પણ સંતરામપુર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં શનિવારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ફરી એકવાર કમોસમી વરસાદ વરસ્યો છે.
સંતરામપુર બાદ સમગ્ર જિલ્લામાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સંતરામપુર શહેરમાં વરસાદ વરસ્યા બાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ એકાએક ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ જિલ્લાના અન્ય વિસ્તારો લુણાવાડા, કડાણા, બાલાસિનોર સહિત વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેજ પવન ફૂંકાયો હતો. બીજી બાજુ લોકોએ અસહ્ય ગરમીથી પણ રાહત અનુભવી હતી. ત્યારે હાલનું વાતાવરણ જોતા લાગી રહ્યું છે કે, જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.