બેંગ્લોર : એક યુવકને તેના લગ્નના કાર્ડ પર પીએમ મોદીનું નામ છાપવું મોંઘુ સાબિત થયું. જયારે આ માહિતી ચૂંટણી પંચ સુધી પહોંચી તો ટીમ લગ્નના ચાર દિવસ પહેલા વરરાજાના ઘરે પહોંચી હતી. ચૂંટણી પંચને વરરાજાનો ખુલાસો ગમ્યો નથી. તેણે વરરાજાની આ હરક્ત સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ આખી ઘટના કર્ણાટકના પુત્તુર તાલુકાના ઉપ્પિનંગડી વિસ્તારની છે.
અહીં એક યુવકે પોતાના લગ્નના આમંત્રણ કાર્ડમાં પીએમ મોદીના નામનો ઉપયોગ કર્યો હતો. જે બાદ વર અને તેના લગ્ન વિવાદમાં આવ્યા હતા. આ ઘટનાને લઈને રાજયમાં રાજકીય ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. વરરાજાએ આમંત્રણ કાર્ડ પર ટેગલાઈન લગાવી હતી. જેમાં લખ્યું હતું- જો તમે નવા કપલને ગિફટ આપવા માંગો છો તો સૌથી મોટી ગિફટ મોદીને ફરી એકવાર વડાપ્રધાન તરીકે પસંદ કરવા છે. ચૂંટણી પંચે આ ટેગલાઈનને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવી છે. આમંત્રણ કાર્ડ મેળવનાર વરરાજાના સંબંધીએ આ બાબતે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આ સમગ્ર હોબાળો શરૂ થયો હતો.
છોકરાના લગ્ન ૧૮ એપ્રિલના રોજ થયા હતા. દરમિયાન, ફરિયાદના આધારે, ચૂંટણી પંચના અધિકારીઓએ ૧૪ એપ્રિલે પુત્તુર તાલુકામાં વરરાજાના ઘરે મુલાકાત લીધી હતી. વરરાજાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ૧ માર્ચે આમંત્રણ કાર્ડ છપાયા હતા. તેણીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ટેગલાઇન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવા અને રાષ્ટ્રીય હિતમાં લખવામાં આવી છે. વરરાજાની સ્પષ્ટતા છતાં, ચૂંટણી પંચે ૨૬ એપ્રિલે ઉપિનંગડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ ઉપરાંત આમંત્રણ છાપનાર પ્રેસ માલિકની પણ ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.