’લઘુમતીઓ પર અત્યાચાર’, અમેરિકાની મહિલા મુસ્લિમ સાંસદે વડાપ્રધાનમોદી વિરૂદ્ધ ઝેર ઓક્યું

વોશિગ્ટન, અમેરિકી કોંગ્રેસ મહિલા સાંસદ ઇલ્હાન અબ્દુલ્લાહી ઓમરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનો બહિષ્કાર કર્યો છે.

તેમણે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીને ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર કરનારા નેતા ગણાવ્યા છે.તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ’વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર કર્યો છે. હિંસક હિંદુ રાષ્ટ્રવાદી જૂથોએ તેમનો સ્વીકાર કર્યો છે. તેમની સરકારે પત્રકારો અને માનવાધિકાર કાર્યર્ક્તાઓને નિશાન બનાવ્યા છે. હું મોદીના ભાષણમાં હાજરી આપીશ નહીં.

આ સિવાય તેણે વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ કરવાની પણ વાત કરી છે. તેમણે લખ્યું હતું કે, ’હું પીએમ મોદીના દમન અને હિંસાના રેકોર્ડ પર ચર્ચા કરવા માટે માનવાધિકાર જૂથો સાથે બ્રીફિંગ કરીશ.’

ઇલહાન ઓમર ૨૦૧૯થી મિનેસોટાના ૫મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ માટે યુએસ પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે. ઓમરનો જન્મ સોમાલિયામાં થયો હતો તે શરણાર્થી છે. વડાપ્રધાન નરેન્દ્ર બીજી વખત અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવા જઈ રહ્યા છે. આ પહેલા જૂન ૨૦૧૬માં તેમણે પહેલીવાર અમેરિકાની કોંગ્રેસને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ એકમાત્ર ભારતીય નેતા છે. સાથે જ તેઓ આવું કરનાર વિશ્ર્વમાં આવા ચોથા નેતા હશે.