લગ્નના છઠ્ઠા દિવસે પત્ની 27 લાખ રોકડાં લઇ ફરાર:ઘરેણાં લઈ બ્યુટી પાર્લરમાંથી ગાયબ થઇ, ફોન કરીને કહ્યું- ‘હું મારા પ્રેમી સાથે ગઇ છું, પરત નહીં આવું’

વલસાડના અબ્રામા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લગ્નના છઠ્ઠા દિવસે જ પત્ની ઘરમાંથી રોકડા રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાં મળી 35 લાખનો મુદ્દામાલ લઇને પ્રેમી સાથે ભાગી જતાં પતિએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે CCTV ફુટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈને મહિલાની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટનાની વિગતે વાત કરીએ વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટર તરીકે વ્યવસાય કરતા યુવકની સગાઇ મહારાષ્ટ્રના વિરારમાં રહેતા પરિવારની યુવતી સાથે જુલાઈ માસમાં નક્કી કરી હતી. સગાઈ બાદ યુવતી યુવક સાથે મોબાઈલ ફોનમાં ઓછી સંપર્કમાં રહેતી હતી. જેને લઈને યુવકને શંકા જતાં તેણે પોતાની મંગેતરના સોશિયલ મીડિયા ઉપર નજર રાખી હતી. જેમાં તેને કોઇ અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાની તે એના પ્રેમી સાથે વાત કરતી હોવાની જાણ થતાં યુવકે લગ્ન કરવાની ના પાડી હતી.

યુવકે લગ્ન કરવાની ના પાડતાં બંનેના પરિવારોએ યુવતીને સમજાવતાં યુવતી આ યુવક સાથે જ વાત કરશે અને પ્રેમી સાથે વાત નહીં કરે. આ સાથે લગ્ન સુઘી નોકરી પર પણ નહીં જાય એવું નક્કી થતાં યુવકે લગ્નની હા પાડી હતી. જે બાદ 16 ડિસેમ્બરના રોજ વલસાડ ખાતે લગ્ન યોજાયા હતા. લગ્ન બાદ યુવકના પરિવારે પોતાની પુત્રવધૂને ઘરની તમામ જવાબદારી સોંપી હતી.

આ દરમિયાન યુવતીએ 21 ડિસેમ્બરે બપોરે વલસાડ શાકભાજી માર્કેટ પાસે આવેલા એક બ્યુટીપાર્લરમાં જવાનું જણાવ્યું હતું. જેથી પતિ-પત્ની અને તેની ભાણેજ બ્યુટી પાર્લર ગયા હતા. આ દરમિયાન પરિણીતાએ તેના પતિને કહ્યું હતું કે અહીં તેને ત્રણ કલાક લાગશે જેથી પતિ ઘરે જતો રહ્યો હતો અને લેવા આવશે એમ જણાવ્યું હતું. આ બાદ પરિણીતા ભાણેજને બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવવા બેસાડી હું આવું છું જણાવી જતી રહી હતી.

પોતાની પત્ની ભાગી ગયાની જાણ પતિને થતાં તે તુરંત બ્યુટિપાર્લર આવ્યો હતો અને પત્નીને ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હતો. આ બાદ પત્નીએ સામેથી પતિને ફોન કરીને જણાવ્યું હતું કે તે તેના પ્રેમી સાથે ગઇ છે અને પરત નહીં આવે. આ બાદ પતિએ અને ઘરના સભ્યોએ ઘરમાં ચેક કરતાં ઘરના બેડરૂમમાં મુકેલા સોના-ચાંદીના ઘરેણાં અને 27.32 લાખ રૂપિયા રોકડા મળી 35.18 લાખ રૂપિયા લઈને ફરાર થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાદ પારિવારીક સમાધાન ન થતાં પતિએ વલસાડ સિટી પોલીસ મથકે તેની પત્ની, પ્રેમી અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસની ટીમે ઘટનાસ્થળની આજુબાજુના CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલનની મદદ લઈને મહિલાની શોધખોળ હાથ ધરી છે.