નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ લદ્દાખ પ્રશાસને કારગિલ ક્ષેત્રમાં પાંચમી લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એલએએચડીસી)ની ચૂંટણી માટે નવી સૂચના બહાર પાડી છે. આ મુજબ ૪ ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. ૩૦ સભ્યોની એલએએચડીસીની ૨૬ બેઠકો પર મતદાન થશે. એલએએચડીસી કારગિલ ૨૦૦૩માં અસ્તિત્વમાં આવ્યું હતું.
નવા નોટિફિકેશન મુજબ, નોમિનેશન ભરવાની પ્રક્રિયા ૯ સપ્ટેમ્બરથી શરૂ થશે અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૧૬ સપ્ટેમ્બર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૦ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ૮ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે ૪ ઓક્ટોબરે સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન થશે. નોટિફિકેશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૧૧ ઓક્ટોબર પહેલા પૂર્ણ કરી લેવી જોઈએ. આ પછી ૮ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
આચાર સંહિતા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના અધિકૃત ઈ-ગેઝેટમાં સૂચનાના પ્રકાશનની તારીખથી અમલમાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સમગ્ર કારગિલ જિલ્લામાં આચારસંહિતા લાગુ થશે.
અગાઉની સૂચના મુજબ, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં એલએએચડીસીની ચૂંટણી ૧૦ સપ્ટેમ્બરે યોજાવાની હતી અને મતગણતરી ૧૪ સપ્ટેમ્બરે થવાની હતી, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સાત દિવસમાં નવેસરથી નોટિફિકેશન જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે લદ્દાખ પ્રશાસનને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જજની બેન્ચે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ ’હળ’ ચૂંટણી ચિન્હનો હકદાર છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સાથે જ એક દેશ એક ચૂંટણીના સવાલ પર તેમણે કહ્યું કે આ પ્રસ્તાવને સંસદમાં આવવા દેવો જોઈએ. પછી આપણે જોઈશું કે આના પર શું કરી શકાય.