ચાંગથાંગ,
લદાખમાં વિશ્ર્વના સૌથી મોટા સોલાર પાવર પ્રોજેક્ટની તૈયારી ચાલી રહી છે, ૧૦ ગીગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ માટે જમીન પણ ફાળવવામાં આવી છે. જોકે આ પાવાર પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં વિરોધ શરૂ થયો છે. ૩,૭૫૦ એકર જમીન પર પશુઓ ચરાવતા લોકોને સતત ભય સતાવી રહ્યો છે કે જો આ પ્લાન્ટ સ્થાપિત થયો તો જમીન પરથી તેમનો અધિકાર ગુમાવશે. વિરોધને પગલે પ્રોજક્ટ વિલંબિત થઈ રહ્યો છે.
પ્રોજેક્ટનો સરવે કરતી વખતે અધિકારીઓ દ્વારા ન તો સ્થાનિક લોકોની સલાહ લેવામાં આવી કે ન તો તેમને વિશ્ર્વાસમાં લેવામાં આવ્યા. સ્થાનિકોને પણ આ પ્રોજેક્ટની પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવ્યા હતા.લદાખથી મનાલી તરફ જતા ગ્લેશિયરના બરફીલા મેદાનોમાં ટાગલોંગથી સેંકડો કિલોમીટર આગળ એક ઉજ્જડ વિસ્તાર આવેલો છે. ભારતીય સૌરઊર્જાનું કહેવું છે કે આ પ્રોજેક્ટ માટે ૩,૭૫૦ એકર બિન-ગોચર જમીનની ઓળખ કરવામાં આવી છે. ચાંગથાંગ અને કારગિલમાં બે સોલાર પ્રોજેક્ટ માટે ૨૦,૦૦૦ એકર જમીન ફાળવાઇ છે. જ્યારે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરી રહ્યું છે, ત્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સૌરઊર્જાનો ઉપયોગ કરવા માટે પેંગથી કૈથલ (હરિયાણા) સુધી ૭૬૫ કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન નાખવાની તૈયારી કરી રહી છે.
ચાંગથાંગ વિસ્તારમાં ચાંગપા સમુદાયના ૫ હજાર લોકોનો સમૂહ છે, જે મૂળભૂત રીતે વિચરતી જાતિ છે. તેમની આજીવિકા યાક, ઘેટાં અને બકરામાંથી ઉત્પાદિત પશ્મિના ઊન પર આધારિત છે. પશુપાલકો કહે છે કે તેઓ આ પ્રોજેક્ટની વિરુદ્ધ નથી, પરંતુ ખાતરીની જરૂર છે કે તેમને રહેવા માટે જમીન નકારી દેવામાં આવશે નહીં.