લાંબા વિરામ બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

લાંબા વિરામ બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા છે. માત્ર એક કલાકના ધોધમાર વરસાદને પગલે અંદાજે અઢી ઇંચ જેટલો વરસાદ દાહોદ શહેરમાં ખાબકી પડયો છે ત્યારે બીજી તરફ ઠેરઠેર વરસાદી પાણીના સામ્રાજ્ય સાથે જાહેર રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ શહેર સહિત જિલ્લાના ખેડૂત મિત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. લગભગ 15 દિવસ પહેલા વસેલ વરસાદ બાદ સતત પંદર દિવસ સુધી મેઘરાજાએ દર્શન ન દેતાં જિલ્લાના ખેડૂતો મિત્રોમાં ચિંતાના વાદળો છવાયા હતા પરંતુ આજરોજ અચાનક વાતાવરણમાં પલટો આવતા અને સાંજના 5:00 વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી પાણી છવાઈ ગયા હતા. દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરમાં વીજળીના કડાકા ધડાકા સાથે અને પવનના ભારે સુસવાટા સાથે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા બીજી તરફ મેઘરાજાની પધરામણી સાથે જ દાહોદ શહેરમાં ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા દાહોદ શહેરવાસીઓમાં આક્રોશની લાગણી પણ વ્યાપી જવા પામી હતી કારણ કે, દર વખતે વરસાદના માહોલ વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજના ધમાકેદાર મેઘરાજાની પધરામણીને પગલે નીચાણવાળા વિસ્તારો તેમજ ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર ખાતે તેમજ ચાકલિયા રોડ, ગોવિંદ નગર , ઇન્દોર હાઇવે રોડ જેવા વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. હાલ જ્યારે દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે ત્યારે રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ખાડો ખોદી દેવામાં આવ્યા છે. આ ખાડાઓ પણ વરસાદી પાણીથી ભરાઇ જતાં ઠેરઠેર કીચડ કાદવનું સામ્રાજ્ય સર્જાઈ જવા પામ્યું છે જેને પગલે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવર – જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ સાંજના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે ઓફિસ, દુકાનદાર જેવા નોકરિયાત તેમજ ધંધાદારી વ્યક્તિઓને સમયસર ઘરે પહોંચવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ લાંબા સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી ત્રાહિમામ્ પોકારી ઉઠેલા દાહોદ શહેર વાસીઓએ ઠંડકનો અનુભવ કર્યો હતો. આજના વરસાદના પગલે સર્વત્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.