દાહોદના ફતેપુરામાં કૂવામાં પડી જતાં બે દીકરી સહિત માતાનું મોત:એક દીકરી પડી ગયા બાદ બીજી દીકરી સાથે બચાવવા ગયેલી માતા પણ ડૂબી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યા કૂવામાં પડી જતાં બે દીકરી સહિત માતાનું મોત થયું છે. એક દીકરી અકસ્માતે પડી ગઈ હતી. જેથી બીજી દીકરી સાથે બચાવવા ગયેલી માતા પણ ડૂબી હતી. આ સમગ્ર બનાવના પગલે તેઓના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે, તેમજ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

ફતેપુરાના આફવા ગામે મોવડી ફળિયામાં રહેતી પરિણીતા લીલાબેન વળવાઈ તેમજ તેમની બે પુત્રીઓ મોહીનીબેન અને દિવ્યાનીના મૃતદેહ આફવા ગામના મોવડી ફળિયાના કુવામાંથી મળી આવ્યાં હતા. જેથી પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનાની જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતાં લોક ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે માતા તેમજ બન્ને પુત્રીઓના મૃતદેહનો કબજો લઈ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદમાં જણાવ્યાંનુસાર ફતેપુરાના આફવામાં રહેનાર લીલાબેન તેઓની બન્ને બાળકીઓ સાથે કુવા તરફ ગયા હતા. તે વખતે તેઓની બંને બાળકીઓ પૈકી મોટી દિકરી કે જેની ઉમર 2 વર્ષ છે તે તેમના ખેતરમાં આવેલો કુવો કે જે કુવો જમીનની સાથે સમતલ હોય આ બાળકી રમતા રમતા કુવામાં જોવા જતા અકસ્માતે કુવામાં લપસી ગઈ હતી. જેથી લીલાબેન તેમની એક વર્ષની નાની દિકરીને કેડમાં તેડેલી હાલતમાં બચાવવા જતા ત્રણેય મા-દિકરીઓ અકસ્માતે કુવામાં પાણીમાં પડી જતાં ત્રણેય ડુબી ગયા હતા. જેને પગલે તેઓના મોત થયા હતા.

આ મામલે પરિવારજનના સભ્ય મકવાણા ભરતભાઈએ જણાવ્યું કે, માતા અને તેમની બંન્ને પુત્રીઓના મૃતદેહ અમોને કુવામાંથી જોવા મળતાં અમોએ સ્થાનીક પોલીસને જાણ કરી હતી. આ બનાવમાં અમોને લાગે છે તેમ પુત્રીઓ કુવામાં પડી હશે અને તેઓને બચાવવા પુત્રીઓની માતાએ પણ કુવામાં ઝંપલાવ્યું હશે તેવુ અમારૂ અનુમાન છે, બાકી પરિવારમાં કોઈ અણબનાવ કે લડાઈ ઝઘડા અમોએ જોયા નથી. માટે પરિણિતાએ આત્મહત્યા જેવું પગલું ભરેલ ન હોવાનું અમોને અનુમાન છે.

આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે ગુનો દાખલ કર્યો છે. તેમજ પોલીસે હાલ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કુવામાં પડી જતા ત્રણેયના મોત થયા હોવાનું સામે આવ્યું છે.