કુવામાં ડૂબી જવાથી બે બાળકોના મોત, પરિવારમાં ગમગીની ફેલાઈ

દાહોદ, દાહોદ જિલ્લામાં ઘરની બહાર એક જ કુટુંબના બે બાળકોના કૂવામાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. મળતી માહિતી અનુસાર, દાહોદના કરબાગામે રહેતો સાત વર્ષીય ધનરાજ અને સુક્રમ તાવિયાડ ઘર આંગણે રમી રહ્યા હતા.

દરમિયાન બાળકોને તરસ લાગતા ઘર પાસે આવેલા કૂવાની બાજુમાં મુકેલી પાણીની ટાંકીએ પાણી પીવા માટે ગયા હતા. આ દરમિયાન બાળકોનો પગ લપસી જતા બને બાળકો બાજુમાં આવેલ કુવામાં પડી ગયા હતા.

ધનરાજ અને સુક્રમને કુવામાં પડતા જોઈ ગયેલ એક બાળકે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો કુવા ખાતે દોડી આવ્યા હતા. અને બને બાળકોને બહાર કાઢ્યા હતા. પરંતુ કૂવાના પાણીમાં ડૂબી જવાથી બને બાળકોના મોત નિપજતા પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.

આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બને બાળકોના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે સંજેલી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.