પોરબંદર,
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. અગાઉ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કરેલી આગાહી સાચી પડી છે. તેમણે રોડ શો અને સભાઓ ગજવીને ગુજરાતની પ્રજાને કહ્યું હતું કે આ વખતે ભૂપેન્દ્ર પટેલ નરેંદ્ર મોદીના પણ રેકોર્ડ તોડશે. અને આ વાત સાચી પડી રહી છે. પરંતુ પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પર એક પ્રકારે બાહુબલી કહી શકાય એવા નેતા કાંધલ જાડેજા છેલ્લી ૨ ટર્મથી કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ ફરી જંગી બહુમતીથી જીતી ગયા છે.ચુંટણીઓ પહેલા એનસીપીમાંથી કાંધલ જાડેજાએ રાજીનામું આપી દીધુ હતું. કાંધલ જાડેજા ૨૦૧૨માં એનસીપીમાં જોડાયા હતા.ત્યારબાદ તેમણે એનસીપીમાંથી રાજીનામુ આપી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ચુંટણી લડી હતી અને તેમનો વિજય થયો હતો આમ સમાજવાદી પાર્ટીનું ખાતુ ગુજરાતમાં ખુલ્યું છે. જો કે એવું કહેવાય છે કે સપાનું ગુજરાતમાં કોઇ વર્ચસ્વ નથી અને જાડેજા પોતાના દમ પર ચુંટાઇ આવ્યા છે.કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે.
વર્ષ ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન ના હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના ૧૧ જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી ૨૪ હજારથી વધુની જંગી બહુમતીથી જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી બહુમતીથી હરાવ્યા હતા. કુતિયાણા મતવિસ્તારમાં સંતોકબેન જાડેજા અને સરમણ મુંજાના પુત્ર કાંધલ જાડેજા એનસીપીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. કાંધલ જાડેજા સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે.
દેવુ અને કરશન વાઘેરે પોરબંદર શહેર પર કાળા બજાર અને ખંડણી માટે કબજો જમાવ્યો હતો, તેઓ કામદારો ઉપર ત્રાસ ગુજરતા હતા. સરમણ મુંજાએ આ વાઘેર બંધુઓનો ખાત્મો બોલાવી દીધો હતો. જેથી મેર જાતિના અનેક લોકોએ સરમણને સમર્થન અને રક્ષણ આપ્યું હતું. સરમણના નામે પણ અનેક ગુનાઓ નોંધાયા હતા. રાજકીય નેતાઓએ પણ ચૂંટણી જીતવા માટે સરમણના શરણે જવું પડતું હતું. દાયકા સુધી ગુનાહિત સામ્રાજ્ય બાદ સરમણે ધામક ચોલો પહેર્યા હતો. ત્યારબાદ તેણે જ કહ્યું હતું કે મેર જ્ઞાતિનો વ્યક્તિ જ તેની હત્યા કરશે. ત્યારબાદ કાળા કેશવે સરમણની હત્યા કરી દીધી હતી.
સરમણની હત્યા બાદ તેની પત્ની સંતોકબેન જાડેજાએ તેનું સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ હત્યાની સીલસીલો શરૂ થયો હતો અને સરમણના ૬ હત્યારાઓની હત્યા કરી દેવામાં આવી હતી. સરમણ જાડેજા અને સંતોકબેન જાડેજા પર ગોડમધર નામની ફિલ્મ પણ બનાવવામાં આવી છે. ત્યારબાદ સરમણ જાડેજાનો ભાઈ ભૂરા મુંજા યુ.કેથી પરત આવી ગયો હતો અને તેણે પણ બદલો લેવાની શરૂઆત કરી હતી. સંતોકબેન જાડેજા ગુનાની દુનિયા ઉપરાંત ટ્રાન્સપોર્ટ વ્યવસાય અને રાજકારણને સારી રીતે સમજી શકી અને તેનો તેણે અમલ પણ કર્યો હતો અને સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું.
સંતોકબેન જાડેજા વર્ષ ૧૯૯૦માં વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી જનતા દળ પક્ષમાંથી ઉભા રહ્યા હતા બહુમતીથી જીત્યા હતા. ગોડમધર સંતોકબેન સામે તેમની ગુનાખોરીને લઈને આકરી કાર્યવાહી શરૂ કરતાં તેઓ પોરબંદર છોડીને રાજકોટ આવી ગયા હતા. વર્ષ ૧૯૯૫માં સરમણ મુંજાના ભાઈ ભુરા મુંજા જાડેજાએ કુતિયાણા બેઠક જીતી હતી અને થોડા વર્ષો બાદ જાહેર જીવનમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.