ભુજ,
ચૈત્રી નોરતાં, અષાઢી ગુપ્ત નોરતાં અને ખાસ કરીને આસો નોરતાંના પવિત્ર દિવસોમાં ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવે છે તે કચ્છના લખપત તાલુકાના માતાના મઢ ખાતે હવે આખરે રૂપિયા ૩૩ કરોડના અંદાજિત ખર્ચના જુદા જુદા વિકાસ કામોના પ્રકલ્પ વેગવાન બનાવાયા છે અને આ તમામ પ્રકલ્પોને આગામી નોરતાં સુધીમાં પૂર્ણ કરી લેવાશે.
ભારત-પાકિસ્તાનની સીમા નજીક આવેલા અને રાજ્યના ઉદ્યોગોના પ્રાણવાયુ સમા હાઈગ્રેડ લિગ્નાઇટ માટે દેશભરમાં જાણીતાં થયેલા માતાના મઢ ખાતે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ નવરાત્રિમાં આવતા હોવા છતાં આ યાત્રાધામ ખાતે સગવડોનો અભાવ જોવા મળે છે તેને યાનમાં લઇ ગુજરાત પ્રવાસન યાત્રાધામ બોર્ડ દ્વારા માતાના મઢ ખાતે ચાચરા કુંડ અને ખટલા ભવાની મંદિરના સંકુલ પાસેથી વિકાસકાર્યોનો પ્રારંભ કરાવી દેવાયો છે.
વિકાસ યોજનાઓ હેઠળ મંદિર પરિસર પણ મોટું બનાવાશે, આ ઉપરાંત મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ તેના વિશાળ પ્રાંગણમાં સુવિધાઓ ઊભી કરાશે. આશાપુરા મંદિરની ચારેકોરથી પ્રદક્ષિણા કરી શકાય તેવી સુવિધા, વધુ સુવિધાયુક્ત અન્નક્ષેત્રની સગવડો પણ ઉપલબ્ધ કરાવાશે.
આ ઉપરાંત ચાચર કુંડથી મંદિર સુધીનો ૨૯ મીટર પહોળો રસ્તો પણ બનાવાશે અને ચાચર કુંડને આધુનિક લાઇટિંગ અને સંગીતમય ફુંવારાથી સજ્જ કરાશે. આ ઉપરાંત ખટલા ભવાની મંદિર પાસે એક બગીચો બનાવાશે, માતાના મઢ ખાતેના રૂપરાઈ તળાવનું બ્યુટીફીકેશન પણ હાથ ધરાશે. માતાના મઢ ખાતે સ્થાનિકના વ્યાપારીઓ માટે ૬૦ દુકાનો સાથેનો શોપિંગ મોલ પણ નિર્માણ પામી રહ્યો છે.