કચ્છના સોપારીકાંડમાં બે આઇપીએસના પગ નીચે રેલો આવતાં મને ફસાવાઈ: નીતા ચૌધરી

કચ્છના ભચાઉના ચોપડવા પુલ પાસે રવિવારે સાંજે ચીરઈના બુટલેગરે એલસીબી-પોલીસની ટીમ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસની ઘટનામાં બુટલેગર સાથે ઝડપાયેલી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ આજે કોર્ટમાં કરેલા દાવાથી ખળભળાટ મચી ગયો છે.

ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સીઆઈડી ક્રાઇમની મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે, તેની પાસે કચ્છના ચકચારી સોપારી તોડ કાંડની ગુપ્ત તપાસની કામગીરી હતી.તેમાં સંડોવાયેલા બે આઈપીએસ ઓફિસર ઉપરાંત બે પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓને રેલો આવે તેમ હતો. એટલે તેને ફસાવી દેવા માટે આ કાવતરું કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, પોલીસે બુટલેગર યુવરાજસિંહ અને નીતા ચૌધરી સામે હત્યાના પ્રયાસ ઉપરાંત પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કર્યો હતો અને તેની વધુ તપાસ માટે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં નીતા અને યુવરાજની દલીલો સાંભળ્યા બાદ પોલીસની માંગણી ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે ફગાવી દીધી હતી.

સમગ્ર ઘટનામાં પોલીસે બનાવ સાંજે સવા સાતે બન્યો હોવા છતાં એફઆઈઆર દાખલ કરવામાં મોડું કેમ કર્યું તે પણ એક તપાસનો વિષય છે તેમ નીતા ચૌધરીના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. એફઆઈઆર દાખલ કાર્ય પછી પહેલા પોલીસે ગણતરની મિનિટો પછી પહેલા યુવરાજની ધરપકડ બતાવે છે. જયારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતાને બીજા દિવસે અગિયાર વાગે ધરપકડ કરે છે. આટલો સમય કોના ઈશારે લેવામાં આવ્યો તેવી દલીલ પણ તેમણે કરી હતી.

કચ્છના સામખિયાળી ભચાઉ હાઈ વે ઉપર ચોપડવા ગામ પાસે કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને તેની સાથે ઝડપાયેલ ગાંધીધામ સીઆઈડી ક્રાઈમની લેડી કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી દ્વારા પોલીસ ટીમ ઉપર થાર જીપ ફેરવી કચડી નાખવાના પ્રયાસે ચકચાર સર્જી છે. નીતા ચૌધરીની ધરપકડ કરાયા બાદ લોકઅપમાં મોકલાતા, પોલીસ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવી છે.

નીતા અને યુવરાજના એડવોકેટે ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાવો હતો કે, સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા તેમના અસીલ હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી કચ્છના પાંચ કરોડના ચકચારી સોપારી તોડકાંડની સીઆઇડી ક્રાઇમની તપાસ કરી રહ્યા હતા. જેમાં બે આઈપીએસ અધિકારી,બે પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ કેટલાક પોલીસ કર્મચારીઓની ભૂમિકા બહાર આવી રહી હતી. એટલે તેમને દબાવવા માટેના કાવતરાના ભાગરૂપે તેમને આ કેસમાં કિન્નાખોરી રાખીને ફસાવાયા છે. ઘટના વેળાએ તેઓ યુવરાજની સાથે બેઠા હતા. તેમ છતાં તેમની ઉપર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.