કચ્છના મુન્દ્નામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મુન્દ્રાના વડાલા નજીક આવેલી નીલકંઠ સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે નીલકંઠ સ્ટીલ કંપનીમા કામદારો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ચેનલ તૂટી જતા તમામ કામદારો નીચે પટકાયા હતા.
કામદારો જે જગ્યાએથી નીચે પટકાયા તે ચેનલ ૨૫ ફુટ ઉપર હતી. ૧૮ કામદારો ચેનલ પર કામ કરી રહ્યા હતા. તમામને ગંભીર ઈજાઓ સર્જાતા ગાંધીધામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા મરીન પોલીસ કંપનીમાં પહોંચીને તપાસ શરૂ કરી હતી. સાથે સાથે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આ ઘટનામાં કેટલાક કામદારોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે.
ગાંધીધામ-આદિપુરની અલગ અલગ ત્રણ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. કચ્છ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં એગ્રોમિલમાં દુર્ઘટના સર્જાઈ હતી. જગાણા નજીકની આ મિલની દુર્ઘટનામાં અમદાવાદમાં સારવાર દરમિયાન એક કામદારનું મોત થયું હતું. અઠવાડિયા અગાઉ ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. દાઝવાની ઘટનામાં બેના મોત થયા હતા અને એક સારવાર હેઠળ છે.