ભુજ,પશ્ર્વિમ કચ્છના સરહદી લખપત તાલુકામાં પડેલા કમોસમી વરસાદના પગલે અનેક નદી નાળામાં નવા નિરની આવક શરૂ થઈ છે. તેમાં ગઈકાલે પડેલા વરસાદ બાદ જૂણાચાય નજીકનો કુંડી ધોધ જીવંત બની ઉઠ્યો હતો. કોતરાયેલી ભેખડો પરથી પડતા ઘૂઘવતા પાણીએ નયનરમ્ય નજારો સર્જ્યો હતો. દર ચોમાસે સારા વરસાદ બાદ કુંડી ધોધમાં મોટા પ્રમાણમાં વહેતા પાલર પાણીથી અદભુત દૃશ્યો નિર્માણ પામે છે. માત્ર છેલ્લા ત્રણ વર્ષથી પ્રકાશમાં આવેલો કુંડી ધોધ હવે સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા પથ્થરો પરથી વિપુલ પ્રમાણમાં પડતી જળરાશીને જોવા છેક ભુજથી પ્રવસીઓ ઊમટી પડતા હોય છે.
લખપત તાલુકાના વડામથક દયાપરથી ૧૫ કિલોમીટર દૂર નરા રોડ પર આવેલા કુંડી ધોધ દર ચોમાસામાં જીવંત બની ઉઠે છે. જે કૂફરતની કારીગરીનો ઉત્તમ નમૂનો રજૂ કરે છે. નરા રોડથી જમણી તરફના કાચા માર્ગે થોડે દુર પહોંચતાજ નિર્જન સ્થળે આવેલા કુંડી ધોધને જોવો એક અનેરો લ્હાવો બની જાય છે. નદીના પટમાં આવતા આ ધોધમાં પુષ્કળ પ્રમાણમાં ધસમસતા પડતા પાણી જાણે કુદરતી વોટર પાર્કનું સર્જન કરતા હોય એવી અનુભૂતિ કરાવી જાય છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કચ્છના તત્કાલીન કલેકટર પ્રવીણા ડિકે અને ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ આ ધોધનો નજારો માણ્યો હતો.