કચ્છી દાતા હસુભાઈ ભુડિયાના નિધનથી કચ્છી લેઉવા પટેલ સમાજમાં શોક વ્યાપી ગયો છે. મોમ્બાસા ખાતે તેમની અંતિમ વિધિમાં લોકો ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. કચ્છની કન્યા માટે માત્ર ડોનેશનથી લઈને સમાજની દીકરીઓને કોલેજ સુધીનું શિક્ષણની પહેલ કરનાર હસુભાઈએ કરોડોનું દાન આપ્યું હતું. તેમણે કચ્છની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી હતી. તેઓ કચ્છના કર્ણ તરીકે ખ્યાતિ પામ્યા હતા.
મૂળ ભુજ તાલુકાના ફોટડી ગામે ૨૨મી માર્ચ ૧૯૬૭ના જન્મેલા હસુભાઈએ મોમ્બાસાને કર્મભૂમિ બનાવી હતી. સાત સમંદર પાર રહેવા છતાં માદરે વતન કચ્છને તેઓ ભૂલ્યા ન હતા. કચ્છમાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રો માટે કરોડોનું દાન જીવનપર્યંત આપનારા તેઓ કચ્છી લેવા પટેલ સમાજના અગ્ર હરોળના દાતા બન્યા હતા. કચ્છી લેવા પટેલ કન્યા શિક્ષણ માટે ૨૫ વર્ષ સુધી મફત શિક્ષણની તેમની પહેલ શૈક્ષણિક ક્ષેત્રનાં દાન માટે શિરમોર બની ચૂકી હતી, તો ભુજમાં કાર્યરત લેવા પટેલ હોસ્પિટલ માટે પણ તેમનું દાન-યોગદાન અવ્વલ સ્થાને રહ્યું છે. આ કચ્છી દાતાનાં દાનની દિલેરી અને સરવાણીનો લાભ વ્યાપક માત્રામાં આફ્રિકન દેશોને પણ મળ્યો છે.
બે દેશના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં હસુભાઈની કરાઈ અંતિમ વિધિ કરાઈ હતી. કચ્છી દાતા હસમુખભાઈની અંતિમયાત્રા આફ્રિકાના મહત્ત્વના બે દેશ કેન્યા અને યુગાન્ડાના રાષ્ટ્રપતિની હાજરીમાં કરાઈ હતી. મોમ્બાસા સ્વામિનારાયણ મંદિરેથી હસુભાઈની પાલખીયાત્રા શરૂ થઈ હતી.
હસુભાઈને પલાઠી વાળેલી અવસ્થામાં શણગાર સજેલ રથ ઉપર બેસાડાવામાં આવ્યા, એમનાં મહાન કાર્યોને લઈને પાલખી સ્વરૂપની અંતિમયાત્રા સંતોની પ્રેરણા અને પરવાનગીથી યોજાઇ હતી. એમના ત્રણેય પુત્રો મુખાગ્નિ આપી હતી. પાલખીને મોમ્બાસાના મુખ્ય માર્ગો પરથી પસાર કરી ઘરે લઈ જવાયા બાદ, જ્યાં પૂજનવિધિ બાદ દેહને બે કલાક નૂતન લેવા પટેલ સંકુલ હોલમાં જાહેર દર્શનાર્થે પણ રાખવામાં આવ્યું હતું.
ભારત, કેન્યા, યુગાન્ડા, યુ. કે., ઓસ્ટ્રેલિયા, અખાતી દેશો અને યુરોપથી વ્યાવસાયિકો તેમજ નૈરોબીથી અનેક આગેવાનો મોમ્બાસા આવ્યા હતા. આખું શહેર ઊંડા શોકમાં ગરકાવ છે. સરકારે હસુભાઈના માનમાં બે દિવસ બંધની જાહેરાત કરી એક કચ્છીને અદકેરું માન સ્થાન આપ્યું છે. અલીદીના વિશ્રામ પછી કોઈ ભારતીયને પ્રથમવાર આ માન આફ્રિકાની ધરતી ઉપર મળી રહ્યું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.