ભુજ,
કચ્છમાં વારંવાર ધરતી ઘૃજવાની ઘટનાઓ બનતી રહે છે. આજે સવારે ૧૦.૫૭ વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ૨.૯ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી ૧૬ કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું છે. ૧૦ ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ૨૦ સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ આજે બપોરે ૪.૨૭ વાગે આવ્યો હતો.
વલસાડમાં ૧ ડિસેમ્બરે રિએક્ટર સ્કેલ પર ૩.૩ ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા બાદ ૫મી ડિસેમ્બરે કચ્છના ખાવડાથી ૨૮ કિ.મી. ઉત્તરે સવારે ૪.૧૭ વાગ્યે ૩.૨નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો. કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે અને ત્યાં અવારનવાર ભૂકંપ આવતા હોય છે પરંતુ, ૫મીએ આવેલો ભૂકંપ જમીનથી માત્ર ૫.૯ કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો.
અમરેલી પંથકમાં ૧૭ ડિસેમ્બરે ભૂકંપના ઉપરાઉપરી ચાર હળવા આંચકા નોંધાયાનું સિસ્મોલોજીકલ સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું. તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી ૩૨થી ૪૪ કિ.મી. દૂર દક્ષિણ અને ઉત્તર બન્ને દિશામાં નોંધાયું હતું. અમરેલીથી અહેવાલ પ્રમાણે સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા ૨.૦ અને ૨.૨ નોંધાઈ છે અને તમામ આંચકા ધરતીની ઉપરી સપાટી પર ઉદભવ્યા હતા. પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.