ભચાઉ તાલુકાના આધોઇ પાટિયા પાસે સરહદી રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકની ટીમે ઇકો કંપનીના સરકારી ડીએપીે ખાતરના રૂ.૬.૮૮ લાખના બીલ વગરના શંકાસ્પદ જથ્થા સાથે એકને પકડી લેતાં ગોલમાલ કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સરહદી રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ એલ.પી.બોડાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ પુર્વ કચ્છ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
તે દરમિયાન પીએસઆઇ વાય.કે.ગોહિલને મળેલી બાતમીના આધારે સામખિયાળી રાધનપુર હાઇવે પર આધોઇ પાટીયા પાસે આવેલી ભારત હોટલ પર ઉભેલી ટ્રકની તલાશી લેતાં તેમાં ભરેલો પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત ડીએપી ઇકો કંપની લખેલા સરકારી ખાતરના બાચકાના બીલ અને આધાર પુરાવા માગતાં તે ત્યાં હાજર મુળ પાટણના વાહીદપુરાના ધોનાભાઇ વશરામભાઇ ભરવાડ પાસે ન હોઇ ટ્રકમાં ભરેલો રૂ.૬,૮૮,૮૪૨ ની કીંમતના ઇકો કંપનીના સરકારી ડીએપી ખાતરની ૨૩૧ બોરીઓ સાથે ધોનાભાઇની અટક કરી ટ્રક સહિત ૨૬,૮૮,૮૪૨ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ કાર્યવાહી માટે લાકડિયા પોલીસને સોંપ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે , ઇકો લખેલા ખાતરીની બોરીઓ સગેવગે થતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે તો ભુતકાળમાં પોલીસે ષડયંત્રનો પર્દાફાશ પણ કર્યો હતો. હવે સરહદી રેન્જી કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.