છેલ્લા બે દિવસથી વરસાદ સારા પ્રમાણમાં પડી રહ્યો છે. આ વખતે ઉત્તર ગુજરાત અને કચ્છમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યાં છે, વરસાદની પેટર્ન પણ બદલાઈ હોય એવું લાગે છે. અનરાધાર વરસાદને કારણે કચ્છના ઘણા વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. અબડાસા અને માંડવીમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યાં છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ૪ કલાકમાં ૪.૫ ઈંચ વરસાદ પડ્યો છે. અબડાસાના નલિયા ,કોઠારા ,વરાળિયા,તેરામાં ધોધમાર વરસતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં ભારે પાણી વહી નીકળ્યા છે. નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મળી રહ્યાં છે. ગામની ગલીઓમાં જ્યાં જુવો ત્યાં પાણીજ પાણી દેખાઈ રહ્યું છે.
ભારે વરસાદને કારણે અબડાસાના વિંઝાણ ગામની ગાંડીતૂર બનેલી નદીના પ્રવાહમાં એક પીકઅપ ફસાય ગયું હતું .નદીના ધસમસતા પ્રવાહમાં એક પીકઅપ ગાડી ફસાઈ હોવાની ઘટના બની છે. નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા ગાડી ફસાઈ ગઈ હતી.
કચ્છના વિવિધ વિસ્તારોની વાત કરીએ તો, આજે સવારથી વરસી રહેલા વરસાદને કારણે ભચાઉ અને માંડવીમાં દોઢ ઇંચ વરસાદ જેટલો વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ પશ્ર્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.ત્યારે કચ્છમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સીઝનનો સૌથી વધુ ૭૬.૪૫ ટકા વરસાદ નોંધાયો છે , જયારે ગુજરાતભરમાં ૫૯.૩૩ ટકા વરસાદ નોંધાયો છે.