કચ્છમાં જૂન-જુલાઈમાં ૧૭ ઈંચ: સૌથી વધુ મુન્દ્રા તાલુકામાં ૩૦ ઇંચ

કચ્છમાં વરસાદ વરસવાનો આંક વર્ષોથી અનિયમિત રહ્યો છે. જોકે ગત વર્ષ ૭૬૪ મી.મી.ની સામે હજુ ચોમાસાના મયાહ્નની સ્થિતિ જોઈએ તો ગત વર્ષ ૨૦૨૩ ની તુલનાએ અડધો ૪૧૬ મી.મી. વરસી જતાં સરેરાશ જળવાઈ રહેશે તેવું મનાઈ રહ્યું છે. ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં સૌથી વધુ મુન્દ્રા તાલુકામાં ૭૫૫ મિ.મી (૩૦ ઈંચ) જ્યારે સૌથી ઓછો વરસાદ ભચાઉ તાલુકામાં ૧૯૭ મિ.મી (આઠ ઇંચ) નોંધાવા પામ્યો છે. ગત વર્ષે બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ જુન માસમાં જ ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો હતો. જ્યારે આ વર્ષે વરસાદે સમયસર હાજરી પુરાવી છે પરંતુ હજુ ચારથી પાંચ તાલુકામાં અપૂરતો વરસાદ પડયો છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તાલુકાવાર સૌથી વધુ વરસાદ મુંદરામાં ૭૫૫ મી.મી. (૩૦ ઈંચ), માંડવીમાં ૬૩૪ (૨૫.૬૦ ઈંચ), નખત્રાણામાં ૪૯૫ (૨૦ ઈંચ), અંજારમાં ૪૮૩ (૧૯.૬૦) ઈંચ ગાંધીધામ ૪૦૨ મી.મી. (૧૬ ઈંચ), અબડાસા ૩૯૬ (૧૬ ઈંચ), ભુજ ૩૧૭ (૧૩ ઈંચ), લખપત ૨૪૭ (૧૦ ઈંચ), રાપર ૨૩૪ (૯.૬ ઈંચ) અને સૌથી ઓછો ૧૯૭ મી.મી. (૮ ઈંચ) ભચાઉમાં નોંધાયો છે.

ગત છ વર્ષના વરસાદની સરેરાશ પર નજર કરીએ તો ૨૦૨૨માં ૮૪૯ મી.મી. તો ૨૦૨૧માં ઘટીને ૫૧૧ મી.મી. પડયો હતો. તેની પૂર્વે ૨૦૨૦માં ભારે વરસાદ પડતાં સરેરાશ બમણાથી વધુ ૧૧૬૨ મી.મી. એ પહોંચી ગઈ હતી. ૨૦૧૯માં ૭૪૬ મી.મી. અને તે પૂર્વે ૨૦૧૮માં ખૂબ જ ઓછો માત્ર ૧૧૧ મી.મી. જ સરેરાશ નોંધાયો હતો. ગત જુનમાં ૧૦૬.૬ મી.મી. તોજુલાઈમાં ૩૦૯.૪ મી.મી. સાથે પહેલી ઓગષ્ટના બપોર સુધી ૪૧૬ મી.મી. નોંધાયો છે.