કચ્છમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા કંડલા પોર્ટ ઓથોરિટીની કાર્યવાહી, ૧૫૦ એકર જમીન પર બૂલડોઝર ફેરવાયું

ગુજરાત રાજ્યનું વ્યસ્ત રહેતું બંદર કંડલા પોર્ટના આસપાસના વિસ્તારોમાં ૫૦ વર્ષથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૬૦૦ જેટલા કાચા અને પાકા મકાનો પર બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પરંતુ આ મકાનોમાં રહેતા ૫૦૦૦થી વધુ લોકોને છત શોધવાના દિવસો આવી ગયા છે.

કંડલા બંદરની વાત કરવામાં આવે તો અહીં ક્રિક વિસ્તારમાં વધતા જતા ઝૂંપડાઓ અને દબાણો દૂર કરવાનો યક્ષ પ્રશ્ર્ન છે. આશરે ૪૦૦ કરો઼ડથી વધુની કિંમત ધરાવતી ૧૫૦ એકર જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠેલા ઝૂંપડપટ્ટીવાસીઓને કંડલા બંદરથી દૂર કરવા મેગા ડિમોલિશન ડ્રાઈવ યોજાઈ હતી.

માહિતી મુજબ ૨૫-૨૬ વર્ષ પહેલા આવેલા કચ્છમાં વાવાઝોડમાં ફસાયેલા લોકોને ગાંધીધામ પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા, પરંતુ કાચા-પાકા મકાનો પર બૂલડોઝર ફેરવાયું નહોતું. ત્યારે આ પહેલી સપ્ટેમ્બરે પોર્ટ ઓથોરિટી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે ૫મી સપ્ટેબરથી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા લોકોના ઘરો પર બૂલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ, પ્રશાસન અને સીઆઈએસએફ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં માછીમારોની સંખ્યા વધુ હોવાનું પણ જાણવા મળ્યું છે. પૂર્વ કચ્છ પોલીસનું માનવું છે કે ગુનાઓને રોકવા, બંદરની સુરક્ષા માટે દબાણો દૂર કરવા જરૂરી છે. જેમકે, ઓઈલની ચોરી, પાઈપલાઈનને નુક્સાન પહોંચાડવું વગેેરે પ્રવૃતિઓ આ વિસ્તારમાં થતી હોવાની પણ ફરિયાદો સાંભળવા મળતી હતી. જોકે, સ્થાનિકોને પોતાનો સામાન પણ ઘરની બહાર પણ કાઢવા માટે સમય મળ્યો નથી. અત્યારે પોલીસ, પ્રશાસનનાં ૨૦૦ જેટલા કર્મચારીઓ, ૨૫ જેસીબી, ૧૨ મોટા હાઈડ્રા મશીનો, ટ્રક વડે ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરૂ દબાણો દૂર કરાયા હતા.